સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલ રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી ભીષણ આગ આશરે 14 કલાકની લાંબી જહેમત બાદ આખરે કાબૂમાં આવી છે. ગઈકાલે સવારે 7:15 વાગ્યે શરુ થયેલા આ અગ્નિકાંડને શાંત પાડવા માટે ફાયર વિભાગે સતત પ્રયાસો કર્યા હતા. આગ કાબૂમાં આવ્યા બાદ પણ આગની જ્વાળાઓ અને ધુમાડો સંપૂર્ણપણે નાબૂદ થાય તે માટે આગામી 6 કલાક સુધી કુલિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેથી ફરીથી આગ ભભૂકી ન ઉઠે.


હવે બિલ્ડિંગની સ્ટેબિલિટી થશે ચેક

આ દુર્ઘટનામાં આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહેલા બે ફાયર જવાન ગૂંગળાયા હતા, જ્યારે એક ફાયર માર્શલ દાઝ્યા હતા. ત્રણેય ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આગના કારણે બિલ્ડિંગને થયેલા નુકસાનના પગલે હવે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ની ટીમ હવે બિલ્ડિંગની સ્ટેબિલિટી (મજબૂતી) ચેક કરશે. ખાસ કરીને B બ્લૉકના 5થી 7મા ફ્લોરની સ્ટેબિલિટી તપાસવામાં આવશે, કારણ કે આ માળ પર આગ વધુ ફેલાઈ હતી. FSLની ટીમનો રિપોર્ટ આવ્યા બાદ અને બિલ્ડિંગની સુરક્ષાની ખાતરી થયા પછી તેને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. વધુમાં, કોઈપણ અણબનાવને ટાળવા માટે ફાયર વિભાગની 4 ગાડીઓ હજુ પણ સ્થળ પર સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

આ પણ વાંચો : Navsari ના છાપરારોડ પર ધ્રુજાવી દેતો અકસ્માત, પૂરપાટ કારે ઊભેલી ટ્રાવેલરને પાછળથી ધડાકાભેર ટક્કર મારી

  • Follow us on: