અમરોલી પોલીસની ટીમે વિસ્તારમાં નશીલા પદાર્થોની હેરાફેરી અને વેચાણ કરતા તત્વો પર વોચ ગોઠવીને 2 કિલોથી વધુ મનાતા ગાંજાના જથ્થા સાથે એક ઇસમને દબોચી લીધો છે. પકડાયેલા આરોપી વિરુદ્ધ કેસ નોંધીને તેના અન્ય સાગરીતોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
ગાંજાના જથ્થા સાથે એકને દબોચી લીધો
પ્રાપ્ત વિગતો અનુસાર, અમરોલી પોલીસ સ્ટેશનનો સ્ટાફ જ્યારે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ નાઇટ કોમ્બિંગ-પેટ્રોલિંગમાં હતો, ત્યારે ચોક્કસ હ્યુમન ઇન્ટેલિજન્સ (બાતમીદાર) દ્વારા માહિતી મળી હતી કે એક શખ્સ ગેરકાયદેસર નશીલા પદાર્થનો જથ્થો લઈને અહીથી પસાર થવાનો છે. બાતમીવાળા સ્થળે પોલીસે તાત્કાલિક ફિલ્ડિંગ ગોઠવીને શંકાસ્પદ હાલતમાં નીકળેલા આ શખ્સને અટકાવ્યો હતો. તેની પાસે રહેલા સામાનની તલાશી લેતા અંદરથી નશીલો પદાર્થ ગાંજો મળી આવ્યો હતો.
