શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી જાનકી રેસીડેન્સીમાં મેન્ટેનન્સના મામલે થયેલા વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. સોસાયટીમાં રહેતા એક ડોક્ટર અને તેમના સાથીઓએ મળીને એક યુવાન પર હથોડા જેવા જીવલેણ હથિયારથી હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાના પગલે જહાંગીરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જહાંગીરપુરા જાનકી રેસીડેન્સીમાં હુમલો
પ્રાપ્ત માહિતી અનુસાર, જાનકી રેસીડેન્સીમાં મેન્ટેનન્સની ઉઘરાણી અથવા તેના ખર્ચ મુદ્દે છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદમાં ઉગ્ર બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો. આરોપ છે કે સોસાયટીમાં રહેતા એક ડોક્ટર સહિત ત્રણ વ્યક્તિઓએ મળીને એક યુવાનને ઘેરી લીધો હતો. હુમલાખોરોએ ‘તારા નાટક વધી ગયા છે, આજે તો તને પતાવી જ નાખું’ તેવી ધમકી આપીને યુવાન પર હથોડાના આડેધડ ઘા ઝીંકવાનું શરૂ કર્યું હતું.
