સુરત જિલ્લાના બારડોલી નજીક ધુલિયા હાઈવે પર બે બસો વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માત અને ત્યારબાદ લાગેલી ભીષણ આગના કેસમાં એક મોટું અપડેટ સામે આવ્યું છે. બારડોલી તાલુકાના ઉવા અને માણેકપોર ગામ વચ્ચે ગુજરાત એસટી બસ પલટી મારી ગઈ હતી અને તેમાં આગ ફાટી નીકળતાં 7 લોકો જીવતા ભડથું થઈ ગયા હતા. આ તમામ મૃતકોના શરીરો સળગી જવાથી ઓળખ કરવી મુશ્કેલ હતી, જેથી DNA મેચ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત 7 માંથી 6 મૃતકોની સફળતાપૂર્વક ઓળખ કરી લેવામાં આવી છે.

તમામ 6 મૃતકો મહારાષ્ટ્રના રહેવાસી

પોલીસ અને હોસ્પિટલ પ્રશાસન તરફથી મળતી માહિતી અનુસાર, જેઓની ઓળખ થઈ છે, તે તમામ 6 લોકો પાડોશી રાજ્ય મહારાષ્ટ્રના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. જેમાં 3 મહિલાઓ અને 3 પુરૂષોનો સમાવેશ થાય છે. સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલા મૃતદેહોના સંબંધીઓ સાથે DNA સેમ્પલ મેચ કરીને આ ઓળખ વિધિ પૂરી કરવામાં આવી છે.

ઓળખાયેલા મૃતકોની વિગતો

  • ધનલક્ષ્મીબેન ગજાનંદભાઈ જાધવ - તેમની ઓળખ પુત્રી જાગૃતિબેન સોનાવણે સાથે DNA મેચ થવાથી થઈ છે.
  • અર્ચના પાટીલ અને મધુકર પાટીલ - આ મૃતક પતિ-પત્નીની ઓળખ તેમના પુત્ર ચારુદત્ત પાટીલ સાથે DNA મેચ થવાથી થઈ છે.
  • મનીષાબેન રાજેન્દ્રભાઈ પાટીલ - તેમની ઓળખ પુત્ર સચિન રાજેન્દ્ર પાટીલ સાથે DNA મેચ થવાથી થઈ છે.
  • નરેશ મનોહર નેરપગાર - તેમની ઓળખ ભાઈ દિનેશ મનોહર નેરપગાર સાથે DNA મેચ થવાથી થઈ છે.
  • ઘનશ્યામ રાઘો બારકલે - તેઓ કુરહા પાનચે, નશીરાબાદ, જલગાંવ (મહારાષ્ટ્ર)ના રહેવાસી હોવાની ઓળખ થઈ છે.

એક મૃતકની ઓળખ હજુ બાકી

અકસ્માતમાં જીવ ગુમાવનાર 7 લોકો પૈકી હજુ 1 મૃતકની ઓળખ થઈ શકી નથી. સુરત સિવિલ હોસ્પિટલ ખાતે અન્ય શંકાસ્પદ સંબંધીઓના પણ DNA સેમ્પલ લેવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ આ છેલ્લા મૃતકની ઓળખ પણ સ્પષ્ટ થઈ જશે.

FSL તપાસ તેજ

બીજી તરફ, અકસ્માત કઈ રીતે સર્જાયો અને બસ પલટી ખાધા બાદ આગ લાગવાનું ચોક્કસ કારણ શું હતું, તેની વૈજ્ઞાનિક તપાસ કરવા માટે FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. FSLની ટીમ દ્વારા સ્થળ પરથી જરૂરી પુરાવા અને સેમ્પલ એકત્રિત કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


આ પણ વાંચો - Surat News: બારડોલીમાં બે બસ અને એક ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 7 લોકોના મોત