સુરતના રાંદેર-જહાંગીરાબાદ વિસ્તારમાં આવેલી ટાઇમ ગેલેક્સી-A બિલ્ડિંગમાં આજે એક કાળજું કંપાવી દે તેવી ઘટના બની હતી. અહીં 10મા માળે રહેતા એક વૃદ્ધ પોતાના ઘરની ગેલેરી પાસે સૂતા હતા, ત્યારે અચાનક ઉંઘમાં જ તેઓ નીચે પટકાયા હતા. જોકે, કુદરતની મહેરબાની કહો કે નસીબ, 10મા માળેથી નીચે પડતા સમયે આ વૃદ્ધ આઠમા માળની બારીના બહારના ભાગે લાગેલી લોખંડની જાળી (ગ્રિલ)માં ફસાઈ ગયા હતા. હવામાં લટકી રહેલા વૃદ્ધને જોઈને બિલ્ડિંગના રહીશોમાં ફાળ પડી હતી અને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.

ફાયર વિભાગની સતર્કતા

ઘટનાની જાણ થતા જ સુરત ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયરના જવાનોએ અત્યંત સાવધાનીપૂર્વક અને દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને આઠમા માળે લટકતા વૃદ્ધને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. જાળીમાં ફસાઈ જવાને કારણે અને પડવાના આઘાતને લીધે વૃદ્ધને શરીરના ભાગે ઈજાઓ પહોંચી હતી, જેથી તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ આ ઘટના આખા વિસ્તારમાં ટોક ઓફ ધ ટાઉન બની છે.

આ પણ વાંચો : Surendranagar જમીન કૌભાંડમાં ED ની તપાસમાં 'ભ્રષ્ટાચારની ડાયરી' ખુલી, રૂ. 1500 કરોડના કૌભાંડની આશંકા.