સુરતના વરાછા વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) માં થયેલી 50 લાખની સનસનાટીભરી લૂંટના મામલે તપાસમાં એક મોટો વળાંક આવ્યો છે. બેંકની બહાર લાગેલા સીસીટીવી કેમેરાના નવા ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આખી લૂંટને અંજામ આપવા માટે એક-બે નહીં, પરંતુ કુલ 7 લૂંટારૂઓ આવ્યા હતા. ધોળે દિવસે આટલી મોટી સંખ્યામાં આવેલા લૂંટારૂઓએ જે રીતે ઓપરેશન પાર પાડ્યું તેનાથી સુરત પોલીસની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઉભા થયા છે.

ગનમેનની હાજરી છતાં લૂંટારૂઓ આસાનીથી ફરાર

 નવા સીસીટીવી ફૂટેજમાં એક ચોંકાવનારી વિગત સામે આવી છે. બેંકની સુરક્ષા માટે તૈનાત બે ગનમેન (સુરક્ષા ગાર્ડ) ત્યાં હાજર હોવા છતાં, લૂંટારૂઓ તેમની નજર સામેથી જ બેખૌફ થઈને ફરાર થઈ ગયા હતા. ગનમેન કોઈ પ્રતિક્રિયા આપી શકે કે તેમને રોકી શકે તે પહેલા જ લૂંટારૂઓની ટોળકી 50 લાખની રોકડ લઈને રફુચક્કર થઈ ગઈ હતી. સુરક્ષા કર્મીઓની હાજરીમાં આ પ્રકારની હિંમત દર્શાવવી એ સૂચવે છે કે લૂંટારૂઓ પૂરા આયોજન સાથે અને હથિયારોથી સજ્જ થઈને આવ્યા હતા.

વરાછા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ

આ હાઈ-પ્રોફાઈલ લૂંટના કેસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચ અને વરાછા પોલીસની અલગ-અલગ ટીમો કામે લાગી છે. સીસીટીવી ફૂટેજમાં દેખાતા સાતેય શખ્સોના ચહેરા અને તેમની ભાગવાની દિશાના આધારે તપાસ તેજ કરવામાં આવી છે. પોલીસને શંકા છે કે આ કોઈ રીઢા ગુનેગારોની ગેંગ હોઈ શકે છે જેણે અગાઉ પણ આવા ગુના કર્યા હોય. આ લૂંટ બાદ શહેરના એક્ઝિટ પોઈન્ટ્સ પર નાકાબંધી કરી દેવામાં આવી છે અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો