સુરત શહેરમાં ટ્રાફિકના નિયમોના ભંગ અને બેફામ ડ્રાઇવિંગને કારણે અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ડિંડોલી-ઉધનાને જોડતા ફ્લાયઓવર બ્રિજ પર વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જેમાં એક નિર્દોષ બાઇક સવારે પોતાનો જીવ ગુમાવ્યો છે.


બ્રિજ પર સર્જાયો કાળમુખો અકસ્માત

ઘટનાની વિગતો મુજબ, ડિંડોલી અને ઉધનાને જોડતા બ્રિજ પરથી એક બાઇક સવાર પસાર થઈ રહ્યો હતો. તે સમયે પાછળથી પુરપાટ ઝડપે આવતા એક અજાણ્યા વાહને બાઇકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભીષણ હતી કે બાઇક સવાર રસ્તા પર પટકાયો હતો અને ગંભીર ઈજાઓના કારણે તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક અંધારાનો લાભ ઉઠાવી ફરાર થઈ ગયો હતો.

ઓવરટેક કરવાની માહિતી સામે આવી

પ્રાથમિક દ્રષ્ટિએ અને ઘટનાસ્થળની પરિસ્થિતિ જોતા પોલીસનું એવું અનુમાન છે કે, કોઈ મોટા વાહને બાઇકને ઓવરટેક કરવાની કોશિશ કરી હશે. આ દરમિયાન વાહને બાઇકને અડફેટે લીધી હોઈ શકે છે. બ્રિજ પર અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

પોલીસ કાર્યવાહી અને તપાસ

ઘટનાની જાણ થતા જ ડિંડોલી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે હાલ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તેની શોધખોળ શરૂ કરી છે. બ્રિજ પર લાગેલા CCTV ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે જેથી કાળમુખા વાહનની ઓળખ થઈ શકે અને ફરાર ચાલકને ઝડપી પાડી શકાય.

આ પણ વાંચોઃ Vadodara News: પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર જેકોબ માર્ટિન ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં થયા જેલભેગા


  • Follow us on: