બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચારો અને તાજેતરમાં એક હિન્દુ યુવકની કરવામાં આવેલી ઘાતકી હત્યાના પડઘા હવે ગુજરાતમાં પણ જોવા મળી રહ્યા છે. સુરતના કિમ વિસ્તારમાં આજે આ ઘટનાના વિરોધમાં રોષપૂર્ણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં જેહાદી વિચારધારા અને કટ્ટરપંથી તત્વો સામે કડક પગલાં લેવાની માંગ ઉઠી છે.


કિમમાં રાષ્ટ્રીય જનતા દળનો વિરોધ પ્રદર્શન

બાંગ્લાદેશમાં હિન્દુઓની વણસી રહેલી સ્થિતિ અને યુવકની ક્રૂર હત્યાને પગલે સુરતના કિમમાં રાષ્ટ્રીય જનતા દળ દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. સંગઠનના કાર્યકર્તાઓએ એકઠા થઈને જેહાદી પ્રવૃત્તિઓનો વિરોધ નોંધાવ્યો હતો. પ્રદર્શનકારીઓએ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વ અત્યારે જેહાદી માનસિકતાથી પરેશાન છે અને હવે તેની અસર સરહદ પાર રહેતા આપણા હિન્દુ ભાઈ-બહેનો પર જોવા મળી રહી છે.

ભારત સરકાર પાસે કડક પગલાંની માંગ

વિરોધ પ્રદર્શન દરમિયાન અગ્રણીઓએ ભારત સરકારને અપીલ કરી હતી કે, બાંગ્લાદેશમાં હિન્દુઓની સ્થિતિ અત્યંત દયનીય છે. તેમના જીવ અને મિલકત જોખમમાં છે, ત્યારે ભારત સરકારે આંતરરાષ્ટ્રીય સ્તરે દબાણ લાવીને અથવા યોગ્ય રાજદ્વારી પગલાં ભરીને આ અત્યાચારો અટકાવવા જોઈએ.

વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ 

  • Follow us on: