સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસમાં કાયદાકીય ગૂંચ ઉકેલાતી જોવા મળી રહી છે. આ કેસની મુખ્ય આરોપી પૂનમ ભદોરિયા દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજી પર આજે સુરતની નામદાર કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. બંને પક્ષોની લાંબી દલીલો અને પોલીસ તપાસના રેકોર્ડને ધ્યાને રાખીને કોર્ટે આરોપીને જામીન આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે.
બદનામીના ડરે ભર્યું હતું આત્મઘાતી પગલું
તપાસમાં સામે આવ્યું છે કે, જે દિવસે તુષાર ઘેલાણીની પુત્રીના લગ્ન હતા, તે જ દિવસે સમાજમાં બદનામ થવાના ડર અને માનસિક ત્રાસને કારણે તેમણે પોતાની લાઇસન્સવાળી રિવોલ્વરથી ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પૂનમ ભદોરિયા દ્વારા તેમને સતત બ્લેકમેલ અને માનસિક રીતે પ્રતાડિત કરવામાં આવતા હોવાના આક્ષેપો સાથે જામીન અરજીનો જબરદસ્ત વિરોધ કરવામાં આવ્યો હતો.
બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસ
1 ફેબ્રુઆરી, 2026ના રોજ રવિવારે તુષાર ઘેલાણીએ પોતાના નિવાસસ્થાને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. 9 mmની બુલેટ મગજની આરપાર નીકળી જતાં તેમની હાલત અત્યંત નાજુક બની હતી. મહાવીર હોસ્પિટલમાં પાંચ દિવસ સુધી જીવન-મરણ વચ્ચે સંઘર્ષ કર્યા બાદ તબીબોએ તેમને 'બ્રેઈનડેડ' જાહેર કર્યા હતા.
કોણ હતા તુષાર ઘેલાણી?
તુષાર ઘેલાણી 1990થી સુરતના રિયલ એસ્ટેટ ક્ષેત્રે સક્રિય હતા. 'ઘેલાણી ગ્રુપ' નામે તેઓ આધુનિક આર્કિટેક્ચર અને લક્ઝુરિયસ પ્રોજેક્ટ્સ માટે જાણીતા હતા. પાર્લે પોઈન્ટ ખાતે મુખ્ય ઓફિસ ધરાવતા ઘેલાણી સુરતના બાંધકામ ક્ષેત્રનું આદરણીય નામ હતું. એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિને આ રીતે આપઘાત સુધી મજબૂર કરવાના કેસમાં પૂનમ ભદોરિયાની ધરપકડ બાદ હવે જેલવાસ લંબાયો છે.
આ પણ વાંચો: Gondal: નામચીન બ્રાન્ડના ડુપ્લીકેટ ગુટખા-બીડી વેચતું રેકેટ પકડાયું, ગોડાઉનમાંથી લાખોનો નકલી જથ્થો ઝડપાયો