સુરતના ડુમસ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી એક ઘટના સામે આવી છે. જાણીતા ઉદ્યોગપતિ દીપક ઇજારદાર દ્વારા તેમના પુત્રના જન્મદિવસની ઉજવણી જાહેર રસ્તા પર કરવામાં આવી હતી. આ ઉજવણી દરમિયાન જાહેરમાં મોટા પાયે ફટાકડા ફોડવામાં આવ્યા હતા, જેના કારણે રસ્તો રોકાયો હતો અને વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. આક્ષેપ છે કે, જ્યારે એક વાહનચાલકે રસ્તો રોકવા બાબતે રજૂઆત કરી, ત્યારે તેને ધમકાવવામાં આવ્યો હતો.
વાયરલ વીડિયો હાલ તપાસ હેઠળ: PI ડુમસ પોલીસ સ્ટેશન
કલાકો વીતી જવા છતાં પોલીસ દ્વારા કોઈ તાત્કાલિક કાર્યવાહી ન કરવામાં આવતા પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. આ મામલે ડુમસ પોલીસ સ્ટેશનના PI વી.એન. ભરવાડે જણાવ્યું હતું કે, વાયરલ વીડિયો હાલ તપાસ હેઠળ છે. જાહેરનામાનો ભંગ કરવા બદલ અને ફટાકડાના નિયમોના ઉલ્લંઘન બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સામાન્ય જનતામાં એવી ચર્ચા છે કે શું પૈસાદાર ઉદ્યોગપતિઓ સામે પોલીસ કડક પગલાં લેશે કે કેમ?













