શહેરના પોશ ગણાતા વેસુ વીઆઈપી રોડ પર આવેલ 'સેવન હેવન' એપાર્ટમેન્ટમાં આજે શ્વાસ અધ્ધર કરી દે તેવી એક ઘટના બની હતી. અહીં 8મા માળે રહેતા એક પરિવારનો 2 વર્ષનો માસૂમ પુત્ર બેડરૂમમાં રમી રહ્યો હતો ત્યારે અચાનક દરવાજો અંદરથી લોક થઈ ગયો હતો. બાળક અંદર ફસાઈ જતા અને રડવા લાગતા પરિવારજનોમાં ભારે ચિંતા પ્રસરી ગઈ હતી.
રમત-રમતમાં સર્જાઈ મુસીબત
પ્રાપ્ત વિગતો મુજબ, 2 વર્ષનું આ બાળક બેડરૂમમાં એકલું રમી રહ્યું હતું ત્યારે અચાનક દરવાજાનું લોક લાગી ગયું હતું. અંદરથી દરવાજો ન ખુલતા બાળક ગભરાઈ ગયું હતું અને જોરજોરથી રડવા લાગ્યું હતું. પરિવારજનોએ બહારથી દરવાજો ખોલવા ખૂબ પ્રયાસો કર્યા પરંતુ સફળતા મળી ન હતી. અંતે મામલાની ગંભીરતા જોઈ પરિવાર દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.










