સુરતના ચોકબજાર વિસ્તારમાં એક રત્નકલાકારને લગ્નની લાલચ આપી છેતરી જનાર 'લૂંટેરી દુલ્હન' અને તેના સાગરીતને પોલીસે ફિલ્મી ઢબે ઝડપી પાડ્યા છે. મહારાષ્ટ્રના બોઈસર ખાતેથી પોલીસે વેષપલટો કરીને આ ગેંગના બે મુખ્ય સાગરીતોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લૂંટેરી દુલ્હન અને તેના સાગરીતને પોલીસે ઝડપી પાડ્યા
સુરતમાં રહેતા એક રત્નકલાકાર લગ્ન માટે યુવતી શોધી રહ્યા હતા, ત્યારે તેમનો સંપર્ક રેખા દેવી નામની મહિલા અને અજય ગુપ્તા સાથે થયો હતો. આ ગેંગે રત્નકલાકારને વિશ્વાસમાં લઈ રેખા દેવી સાથે તેના લગ્ન કરાવ્યા હતા. લગ્ન માટે અને અન્ય ખર્ચના નામે આ ટોળકીએ રત્નકલાકાર પાસેથી કુલ 1.30 લાખ રૂપિયા પડાવી લીધા હતા. જોકે, લગ્નના થોડા જ દિવસોમાં આ 'નવી નવેલી દુલ્હન' રેખા દેવી અને તેનો સાગરીત અજય ગુપ્તા રોકડ રકમ લઈને ફરાર થઈ ગયા હતા.
પોલીસનો વેષપલટો અને ધરપકડ
ભોગ બનનાર રત્નકલાકારે ચોકબજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ એક્શનમાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસને જાણવા મળ્યું હતું કે આ ગેંગ મહારાષ્ટ્રના બોઈસર વિસ્તારમાં છુપાયેલી છે. આરોપીઓ સતર્ક હોવાથી ચોકબજાર પોલીસે સાદા ડ્રેસમાં અને વેષપલટો કરીને ત્યાં દરોડો પાડ્યો હતો. આ ઓપરેશનમાં પોલીસે લૂંટેરી દુલ્હન રેખા દેવી અને તેના જીજા અજય ગુપ્તાની ધરપકડ કરી સુરત લઈ આવી છે.
અનેક લોકો શિકાર બન્યા હોવાની આશંકા
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ એક સુનિયોજિત ગેંગ છે જે સુરત અને આસપાસના વિસ્તારોમાં જરૂરિયાતમંદ યુવકોને નિશાન બનાવે છે. આ ગેંગે અગાઉ પણ અનેક લોકોને આ રીતે લગ્નની જાળમાં ફસાવી લાખો રૂપિયા પડાવ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ પોલીસ આ ગેંગના અન્ય સભ્યો અને ભોગ બનેલા અન્ય લોકો વિશે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહી છે.
વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ