સુરત: સુરત જિલ્લાના મહુવા તાલુકાનું સણવલ્લા ગામ આજે પોલીસ અને ખેડૂતો વચ્ચેના ઘર્ષણથી ગાજી ઉઠ્યું હતું. પાવર ગ્રીડની 765kv ની હાઈટેન્શન વીજ લાઈન નાખવાની કામગીરી સામે ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વળતરના મુદ્દે સર્જાયેલા વિવાદમાં પોલીસે ખેડૂતોને ડિટેઈન કરવાનું શરૂ કરતા મામલો બિચક્યો હતો અને આક્રમક દ્રશ્યો સર્જાયા હતા.

વળતર વિના કામગીરીનો વિરોધ

ખેડૂતોનો મુખ્ય આક્ષેપ છે કે, તેમની ફળદ્રુપ જમીનમાંથી પાવર ગ્રીડની લાઈન પસાર કરવામાં આવી રહી છે, પરંતુ તેના યોગ્ય વળતર અંગે તંત્ર દ્વારા હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. વળતરની પ્રક્રિયા પૂર્ણ થયા વિના જ કર્મચારીઓ વીજ લાઈન નાખવા પહોંચતા ખેડૂતો ઉશ્કેરાયા હતા. ખેડૂતોના વિરોધને પગલે કામ કરવા આવેલા કર્મચારીઓ તો પરત ચાલ્યા ગયા હતા, પરંતુ પોલીસ દ્વારા કામગીરી શરૂ કરાવવા દબાણ કરવામાં આવ્યું હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો.

પોલીસ સાથે આક્રમક ઘર્ષણ

જ્યારે પોલીસના કાફલાએ વિરોધ કરી રહેલા ખેડૂતોની અટકાયત (ડિટેઈન) કરવાનું શરૂ કર્યું, ત્યારે મામલો વધુ ગંભીર બન્યો હતો. પોલીસ અને ખેડૂતો વચ્ચે ખેંચતાણ અને આક્રમક ઘર્ષણ થયું હતું. ખેડૂતો પોતાની જમીન બચાવવા માટે મક્કમ દેખાયા હતા, જ્યારે પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા બળપ્રયોગ કરવો પડ્યો હતો.

આ પણ વાંચો: AMCના સ્વિમિંગ પૂલ હવે રાત્રે 8:30 સુધી ખુલ્લા રહેશે, લોકોની સુવિધા માટે મહત્વનો નિર્ણય