ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અચાનક સુરત પહોંચતા રાજકીય આલમમાં ગરમાવો આવી ગયો છે. આગામી સમયમાં યોજાનારી સુરત મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીએ સુરત સર્કિટ હાઉસ ખાતે એક અત્યંત મહત્વની બેઠક બોલાવી હતી. કોઈ પણ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ વિના મુખ્યમંત્રીનું સુરત આગમન અને રાત્રિ રોકાણ એ સૂચવે છે કે ભાજપ હાઈકમાન્ડ સુરત મનપાની ચૂંટણીને ગંભીરતાથી લઈ રહ્યું છે. આ 'સરપ્રાઈઝ' બેઠકને પગલે સ્થાનિક નેતાગીરીમાં પણ દોડધામ મચી ગઈ હતી.
સુરત સર્કિટ હાઉસ ખાતે રાત્રી રોકાણ
સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી આ બેઠકમાં સુરત ભાજપના જુદા જુદા હોદ્દેદારો અને કોર્પોરેટરો મળી અંદાજે 90 જેટલા અગ્રણીઓ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીએ તમામ કોર્પોરેટરો અને સંગઠનના હોદ્દેદારોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું હતું અને જનતાના કામો વેગવંતા બનાવવા કડક સૂચનાઓ આપી હતી. આ બેઠકનો મુખ્ય હેતુ ચૂંટણી પૂર્વે સંગઠનને મજબૂત કરવાનો અને આંતરિક જૂથબંધી નિવારીને વિકાસના કામો લોકો સુધી પહોંચાડવાનો હોવાનું મનાય છે.
