સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના લિંબાયત ઝોનમાં આવેલ સોનિયા નગર વિસ્તારમાં તંત્રની મોટી બેદરકારી સામે આવી છે, જેની નોંધ ખુદ મુખ્યમંત્રી કાર્યાલય (CMO) એ લેવી પડી છે. અહીં મનપા દ્વારા ગટરની ચેમ્બરની અંદરથી જ પીવાના પાણીની લાઈન પસાર કરવામાં આવી હતી, જેના કારણે પીવાના પાણીમાં ગટરનું ગંદુ પાણી ભળવાની અને રોગચાળો ફેલાવવાની ગંભીર ભીતિ સર્જાઈ હતી. સ્થાનિક રહીશો લાંબા સમયથી આ ગંદકી અને દુર્ગંધથી પરેશાન હતા, આખરે આ સ્થિતિનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર મામલો રાજ્ય સ્તરે પહોંચ્યો હતો.
સોશિયલ મીડિયાના પાવર સામે તંત્ર ઝૂક્યું
વાયરલ વીડિયોની ગંભીરતાને જોતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક સુરત મનપા પાસે ખુલાસો માંગ્યો હતો અને કડક સૂચનાઓ આપી હતી. CMના આદેશ બાદ સફાળા જાગેલા મનપાના અધિકારીઓ અને ટેકનિકલ સ્ટાફ તાકીદે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને યુદ્ધના ધોરણે ગટરની ચેમ્બરમાંથી પાણીની લાઈન અલગ કરવાની કામગીરી હાથ ધરી હતી. તંત્રની આ પ્રકારની ઘોર બેદરકારી સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જવાબદાર એન્જિનિયરો સામે શિક્ષાત્મક પગલાં લેવાની માંગ ઉઠી છે.
