પતંગ અને માંજા માટે આખા રાજ્યમાં પ્રખ્યાત સુરતનું ડબગરવાડ પતંગ બજાર હાલ ઉતરાયણના રંગમાં રંગાયું છે. મકરસંક્રાંતિના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે પતંગ રસિકો મોટી સંખ્યામાં ખરીદી માટે ઉમટી પડ્યા છે. જોકે, આ વર્ષે પતંગના ભાવમાં ગત વર્ષની સરખામણીએ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.


કમોસમી વરસાદના કારણે પતંગ ઉત્પાદકોને ભારે મુશ્કેલી પડી

આ વર્ષે દિવાળી બાદ પડેલા કમોસમી વરસાદના કારણે પતંગ ઉત્પાદકોને ભારે મુશ્કેલી પડી હતી. પતંગ બનાવવા માટે વપરાતા કાગળ અને વાંસની સળીઓમાં ભેજ લાગવાને કારણે ઉત્પાદન ખર્ચ વધ્યો છે. જેના પરિણામે બજારમાં પતંગના ભાવમાં 10 થી 20 ટકાનો વધારો નોંધાયો છે. તેમ છતાં, સુરતીઓનો ઉત્સાહ ઓછો થયો નથી. પતંગ રસિકોનું કહેવું છે કે, "ભાવ ભલે વધ્યા, પણ સુરતીઓ પતંગ ચગાવવાનું તો નહીં જ છોડે."

બરેલીના પતંગ અને ફિરકીની ભારે માગ

બજારમાં આ વખતે રંગબેરંગી અને આકર્ષક ડિઝાઇનવાળા પતંગોનું આકર્ષણ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને સુરતી પતંગોની સાથે બરેલીના પતંગો અને માંજાવાળી ફિરકીની ભારે માગ છે. વિવિધ કદ અને આકારના પતંગોથી આખું ડબગરવાડ છલકાઈ ગયું છે. લોકો કલાકો સુધી લાઈનમાં ઉભા રહીને પોતાની મનપસંદ ફીરકીઓ અને પતંગની ખરીદી કરી રહ્યા છે.

સલામતી માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

ભારે ભીડને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ દ્વારા ડબગરવાડમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ભીડમાં ચોરી કે અન્ય કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે.

આ પણ વાંચો:

  • Follow us on: