સુરતમાં આર્થિક ગુનાખોરી અને લૂંટફાટની ઘટનાઓ સતત વધી રહી છે. સુરતના જહાંગીરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફોરેન કરન્સી એક્સચેન્જ (વિદેશી નાણું બદલવા) નું કામ કરતા એક એજન્ટ સાથે અંદાજે આશરે અઢાર લાખ પંચાસ હજાર રૂપિયાથી વધુની સનસનાટીભરી લૂંટની ઘટના પ્રકાશમાં આવી છે. અસામાજિક તત્વોએ એજન્ટને ડોલર વટાવી આપવાના બહાને બોલાવી આ સમગ્ર ખેલ પાર પાડ્યો હતો.

સુરતમાં કરન્સી એજન્ટ સાથે મોટી લૂંટ

મળતી પ્રાથમિક વિગતો અનુસાર, લૂંટારુ ટોળકીએ ભોગ બનનાર એક્સચેન્જ એજન્ટનો સંપર્ક કર્યો હતો અને પોતાની પાસે રહેલા અમેરિકન ડોલર વટાવીને ભારતીય ચલણ (રૂપિયા) મેળવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. એજન્ટ આશરે ૧૮.૬૫ લાખ રૂપિયાની મોટી રોકડ રકમ લઈને નિયત કરેલા સ્થળે પહોંચ્યો હતો. જ્યાં આરોપીઓએ તેને વ્યવહાર પૂરો કરવા માટે પોતાની કારમાં બેસાડ્યો હતો.

કારમાંથી રસ્તા પર ફેંકી દીધો

કારમાં બેસતાની સાથે જ આ ગઠિયાઓએ પોતાનો અસલી રંગ બતાવ્યો હતો. અજાણ્યા બદમાશોએ એજન્ટને ડરાવી-ધમકાવીને તેની પાસે રહેલી રૂપિયા 18.65 લાખની આખી બેગ આંચકી લીધી હતી. લૂંટ ચલાવ્યા બાદ આરોપીઓએ એજન્ટને ચાલુ કારમાંથી જહાંગીરપુરા વિસ્તારના રસ્તા પર ધક્કો મારીને ઉતારી દીધો હતો અને પૂરપાટ ઝડપે કાર ભગાડી ફરાર થઈ ગયા હતા.

આ પણ વાંચો: Ahmedabad News: પેટ્રોલ અને ડીઝલ સહિત CNGમાં ભાવવધારાને કારણે હવે કેબ સર્વિસ મોંઘી થશે