સુરત શહેરમાં સાયબર ક્રાઈમની ઘટનાઓ સતત વધી રહી છે, ત્યારે સુરત સાયબર સેલે એક મોટી સફળતા મેળવી છે. RTO (રીજીયોનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ) ના નામે નકલી APK ફાઈલ મોકલી લોકોના મોબાઈલ હેક કરી લાખો રૂપિયા પડાવતી ગેંગના વધુ એક સાગરીતની પોલીસે ધરપકડ કરી છે. ઝારખંડના કુખ્યાત 'જામતારા' કનેક્શન ધરાવતા આ ગુનામાં પોલીસે ગૌતમ મંડલ નામના આરોપીને દબોચી લીધો છે.
RTO સંબંધિત એક શંકાસ્પદ APK ફાઈલ મોકલી
આ કેસની વિગત મુજબ, ઠગબાજોએ ફરિયાદીના પુત્રના મોબાઈલ પર RTO સંબંધિત એક શંકાસ્પદ APK ફાઈલ મોકલી હતી. જેવી આ ફાઈલ ડાઉનલોડ કરવામાં આવી, તે સાથે જ મોબાઈલનો સંપૂર્ણ એક્સેસ ઠગબાજો પાસે પહોંચી ગયો હતો. આરોપીઓએ ફરિયાદીના પુત્રનો મોબાઈલ હેક કરી કુલ 5 લાખ રૂપિયાથી વધુની રકમની છેતરપિંડી આચરી હતી. આ રકમ પૈકી આરોપી ગૌતમ મંડલે 1.47 લાખ રૂપિયા ક્રેડિટ કાર્ડ દ્વારા ટ્રાન્સફર કર્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
