દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL)ના વર્ગ-3 અને વર્ગ-4ના ટેકનિકલ કર્મચારીઓએ પોતાની લાંબા સમયથી પડતર માંગણીઓને લઈને સરકાર સમક્ષ અવાજ ઉઠાવ્યો છે. કર્મચારીઓના પ્રતિનિધિ મંડળે સુરત ખાતે નાયબ મુખ્યમંત્રી (ગૃહ રાજ્યમંત્રી) હર્ષ સંઘવીની રૂબરૂ મુલાકાત લઈને લેખિતમાં રજૂઆત કરી હતી.
DGVCL ના વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓની માંગણી
કર્મચારીઓએ રજૂ કરેલા આવેદનપત્રમાં મુખ્યત્વે ટેકનિકલ સ્ટાફને પડતી મુશ્કેલીઓ અને આર્થિક અન્યાયના મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે. ટેકનિકલ કર્મચારીઓ જીવના જોખમે હાઈ ટેન્શન લાઈન અને ફિલ્ડમાં કામ કરતા હોય છે, તેથી તેઓને 'રિસ્ક એલાઉન્સ' આપવામાં આવે તેવી પ્રબળ માંગ કરી છે. હાલમાં આપવામાં આવતા ફિલ્ડ એલાઉન્સ સામે કર્મચારીઓએ વાંધો ઉઠાવ્યો છે અને તેમાં રહેલી વિસંગતતાઓ દૂર કરી ન્યાય આપવા વિનંતી કરી છે. ટેકનિકલ કામગીરી કરતા લાયક કર્મચારીઓને વર્ગ-4 માંથી બઢતી આપીને વર્ગ-3 માં સમાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. ફિલ્ડમાં કામ કરતા કર્મચારીઓના કામના કલાકો નક્કી કરવામાં આવે તેમજ જાહેર રજાઓ અને તેને લગતા અન્ય નાણાકીય લાભો સમાન ધોરણે મળે તેવી માંગણી કરવામાં આવી છે.










