સુરતના ઉધના વિસ્તારમાં આવેલા સમ્રાટ નગરમાં જૂની અદાવતની આગમાં એક નિર્દોષ પિતાએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. મળતી માહિતી મુજબ, કેટલાક શખ્સો હથિયારો સાથે એક યુવકની હત્યા કરવાના ઈરાદે તેના ઘરે ધસી આવ્યા હતા. જોકે, જે પુત્ર સાથે તેમની દુશ્મની હતી તે ઘરે હાજર ન મળી આવતા, ઉશ્કેરાયેલા હુમલાખોરોએ તેના પિતા ધનરાજભાઈ પર હુમલો કરી દીધો હતો. હુમલાખોરોએ ધનરાજભાઈ પર ચપ્પુના અસંખ્ય ઘા ઝીંકી તેમને લોહીલુહાણ કરી દીધા હતા અને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા પિતાનું ટૂંકી સારવાર બાદ કરુણ મોત નીપજ્યું છે.
ક્રૂરતાની પરાકાષ્ઠા
આ ચકચારી ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, પુત્ર અને હુમલાખોરો વચ્ચે અગાઉ કોઈ બાબતે તકરાર થઈ હતી, જેનું વેર રાખવા માટે આ હુમલો કરવામાં આવ્યો હતો. ઉધના પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવાની તજવીજ હાથ ધરી છે. પુત્રની ભૂલ કે અદાવતમાં પિતાની હત્યા થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
