સ્વચ્છતાના મામલે દેશભરમાં પ્રથમ સ્થાન ધરાવતા સુરત શહેરને ચાલુ વર્ષે બીજા ક્રમથી સંતોષ માનવો પડયો છે. ડોર ટુ ડોર ગાર્બેજ ગાડીઓની અનિયમિતતા, ખજોદ ડિસ્પોઝલ સાઇટ પર કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં લાલિયાવાડી, સાઇટ પર આગ અને લોકોની સતત વધી રહેલી ફરિયાદોના વચ્ચે અગાઉના સુપર સ્વચ્છતા લીગ સર્વેક્ષણમાં દેશભરમાં પ્રથમ ક્રમે રહેલું સુરત શહેર આ વખતે બીજા ક્રમે ધકેલાયું છે.
કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા સ્વચ્છતા સર્વેક્ષણમાં સુપર સ્વચ્છ લીગમાં 2025-26ના પરિણામમાં નવી મુંબઈએ પ્રથમ સ્થાન મેળવ્યું છે, જ્યારે સુરત બીજા ક્રમે રહ્યું છે. શહેરોની સફાઈ વ્યવસ્થા, ટોઇલેટની સ્વચ્છતા, વેસ્ટ મેનેજમેન્ટ, નાગરિકોની ફરિયાદોનું નિવારણ, ઔદ્યોગિક કચરાનો નિકાલ સહિતના વિવિધ માપદંડોના આધારે મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. અલગ-અલગ કેટેગરીમાં શહેરો વચ્ચે સ્પર્ધા યોજાઈ હતી. દિલ્હી ખાતે 11 નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે સ્વચ્છતા સર્વેક્ષણના એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતો તથા વીજળી મંત્રી મનોહરલાલ ખટ્ટરની ઉપસ્થિતિમાં યોજાયેલા સમારોહમાં ગુજરાતના નાણામંત્રી અને કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ, મેયર માયાબેન માવાણી અને આરોગ્ય સમિતિના ચેરમેન અશોક રાંદેરિયા એવોર્ડ સ્વીકારવા ઉપસ્થિત રહ્યા હતા.
