સુરત : દિવાળી પર્વની ઉજવણી દરમિયાન ફાયર વિભાગની વિવિધ ટીમ દોડતી રહી હતી. જેમાં ફટાકડાના તણખા લીધ બિલ્ડિંગમાં, વાહનો તથા કચરો, ખેતર સહિતના સ્થળે આગ લાગી હતી. 150થી વધુ આગની ઘટના આ તહેવાર દરમિયાન નોંધાઈ હતી. જોકે, સદનસીબે કોઈ પણ આગની ઘટનામાં દાઝી જવાની કે ઈજા થવાની દુર્ઘટના બની નહતી.
ફાયર બ્રિગેડ પાસેથી મળતી વિગત મુજબ દિવાળી બાદ છેલ્લા ચાર દિવસમાં સુરત શહેરમાં 150 થી વધુ કોલ ફાયર વિભાગને મળ્યા હતા. જેને પગલે શહેરના વિવિધ ફાયર સ્ટેશનની ટીમ સતત કામગીરીમાં વ્યસ્ત રહી હતી. જેમાં તા.10મીએ 80 કોલ, તા.11મીએ 41 કોલ, તા.12મી 24 કોલ અને તા.13મીએ 10 કોલ કચરાના ઢગલામાં આગના હતા. ઉપરાંત હાઈરાઈઝ બિલ્ડિંગ, મકાન, દુકાનોમાં, ઝુપડા, ગોડાઉન, ખુલ્લા ખેતરો સહિતમાં આગ લાગવી તેમજ ગેસ લીકેજ, લિફ્ટ માંથી વ્યક્તિનું રેસ્ક્યુ કરવાની કામગીરી કરવામાં આવી હતી.
વરાછા રોડ પર પોદ્દાર આર્કેડની બાજુમાં આવેલી રેલવે પોલીસ લાઈન કેમ્પસમાં મંગળવારે ઝાડમાં અચાનક આગ લાગી હતી. ઝાડની આસપાસ પોલીસ દ્વારા અલગ-અલગ ગુનાઓમાં જપ્ત કરાયેલી જૂની તથા બંધ હાલતની કુલ 42 જેટલા વાહનો પાર્ક કરેલા હતા. ઝાડ પર ફટાકડાના લીધે આગ ઝડપથી પ્રસરી ગઈ હતી અને પાર્ક કરેલા વાહનોને લપેટમાં લઈ લીધા હતા. આગ એટલી તીવ્ર હતી કે જોતજોતામાં 26 જેટલી ગાડીઓ આગની લપેટમાં આવી ગયા હતા. ફાયર વિભાગની ટીમને જાણ થતા ટીમ સ્થળ પર પહોંચી હતી. પાણીનો મારો ચલાવી દોઢ કલાકે આગ પર કાબુ મેળવી લીધો હતો. જેથી અન્ય વાહનોને બચાવી લેવાયા હતા. બીજી ઘટનામાં પાંડેસરામાં પોલીસ લાઈન પાસે લેબર કોલોનીમાં સોમવારે રાત્રે ફટાકડાના લીધે એક ઝૂંપડામાં આગ લાગી હતી. જે જોતજોતામાં ફેલાઈને અન્ય ઝુપડાઓ સુધી પહોંચતા પાંચ ઝુપડા આગની ઝપેટમાં આવી ગયા હતા. આ અંગે ફાયર બ્રિગેડને જાણ થતા ટીમ સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવવાની કામગીરીમાં લાગી ગઈ હતી. ગણતરીના કલાકોમાંજ આગ પર કાબુ મેળવી લેતા અન્ય ઝુપડાઓને આગની ઝપેટમાં આવતા બચાવી લેવાયા હતા. પાર્લે પોઇન્ટના શોપિંગ સેન્ટર નજીક પાર્ક કરેલી કારમાં મંગળવારે ફટાકડા ના લીધે આગ લાગી હતી, અડાજન પાલ રોડ ઉપર નિશાન સર્કલ પાસે ભાગ્ય રત્ન રેસીડેન્સીના સાતમા માળે ગેલેરીમાં ફટાકડાના લીધે આગ ભડકી ઉઠી હતી. આ ઉપરાંત કચરાના ઢગલામાં અનેકો સ્થળે ફ્ટાકડાના લીધે આગ લાગી હતી. સિંગણપોર ચાર રસ્તા પાસે રાધાસ્વામી સોસાયટીમાં પતરાના સેડમાં બનાવેલા મકાનમાં સાડીમાં ચોંટાડવાના સ્ટોન, ચાઈનીઝ મટીરીયલ, પ્લાસ્ટિકના બેન્સનો જથ્થો મુકવામાં આવ્યો છે. આ ગોડાઉનમાં ગુરુવારે મોડી રાત્રે ઇલેક્ટ્રીક શોર્ટ સર્કિટ થતા આગ ફાટી નીકળી હતી. જોકે પ્લાસ્ટિકના લીધે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા હતા. જેને લીધે સોસાયટીમાં રહેતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ફાયર વિભાગને જાણ થતા ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો. ગણતરીના સમયમાંજ આગ પર કાબુ મેળવી લીધો હતો. આગના લીધે સાડી પર ચોટાવવાના સ્ટોન, મટીરીયલ્સ, વાયરીંગ, પંખા સહિતના માલ સામાન્યને નુકસાન થયું હતું. ઉપરોક્ત તમામ ઘટનામાં સદનસીબે કોઈ વ્યક્તિ દાઝી જવાની કે ઈજા પહોંચવાની દુર્ઘટના થઈ નહતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો