ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર ગુજરાતમાં વર્તાઈ છે. સમગ્ર દેશ સહિત ગુજરાતમાં પણ યુદ્ધના કારણે ગેસની અસર વેઠવી પડી છે. રાજ્યમાં ગેસ સિલિન્ડર માટે લોકો પડાપડી કરી રહ્યાં છે. ગેસની અછતને કારણે હોટેલ અને રેસ્ટોરન્ટ સહિત કેટરિંગના ધંધા પર પણ અસર પડી છે. ઉદ્યોગોને પણ ગેસનો સપ્લાય નહીં મળતાં પ્રોડક્શન પર અસર વર્તાઈ છે.


દીપ સેન્ડવીચ ફાસ્ટ ફૂડમાંથી ગેસ જપ્ત કરાયો

રાજકોટમાં ગેસની અછતને કારણે લગ્ન પ્રસંગોમાં અસર જોવા મળીછે. કેટરર્સના ધંધાર્થીઓ વધુ પૈસા આપીને સિલેન્ડર ખરીદે છે. ઘણા કેટરર્સે કાળા બજારમાં ઊંચા ભાવ આપીને સિલેન્ડર ખરીદ્યા છે. લગ્નનો જમણવાર પણ અટકી જવાની દહેશત વ્યક્ત કરાઈ છે. જે જરૂરિયાત છે તેના કરતાં ગેસનો અડધો જ પૂરવઠો મળ્યો છે. કેટરર્સને ભવિષ્યમાં મોટા પ્રસંગો બગડવાની ચિંતા સતાવી રહી છે. બીજી તરફ રાજકોટમાં પુરવઠા વિભાગે હોટેલ અને રેસ્ટોરન્ટમાં સઘન ચેકિંગ હાથ ધર્યું છે. ઘરેલુ ગેસનો વપરાશ રોકવા ચેકિંગ હાથ ધરાયું છે. દીપ સેન્ડવીચ ફાસ્ટ ફૂડમાંથી ગેસ જપ્ત કરાયો છે.

કારખાના બંધ કરવાની નોબત

બીજી તરફ સુરતમાં પણ ફરસાણના અનેક વેપારીઓને ત્યાં ગેસની અછત જોવા મળી છે. સુરતી લોચો, ખમણ અને જલેબીનો વેપાર કરતા ફરસાણના વેપારીઓ ગેસની અછતને કારણે મુશ્કેલીમાં મુકાયા છે. સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં પણ ગેસની અછત સર્જાઈ છે. ગેસ સિલિન્ડરનો પુરવઠો ખોરવાઈ જતાં ઉત્પાદન અટકી પડ્યું છે. ગેસ વિના હજારો મીટર કાપડનું ઉત્પાદન અટકી પડ્યું છે. કારખાના બંધ કરવાની નોબત આવતા ઉદ્યોગકારો પણ ચિંતામાં મુકાયા છે. નવસારી જિલ્લામાં પણ કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો પુરવઠો બંધ થતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી

વડોદરામાં પણ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી છે. ગેસની અછતથી રેસ્ટોરન્ટ બંધ કરવી પડી છે. ઘરેલુ ગેસ માટે સિલિન્ડર લેવા માટે લોકોની કતારો જોવા મળી છે. કાળઝાળ ગરમીમાં લોકો કતારોમાં ઉભા રહે છે. નોકરી ધંધા છોડીને લોકો કતારમાં ઉભા રહેવા મજબૂર બન્યાં છે. ઈફકોના ચેરમેન દિલીપ સંઘણીએ કહ્યું હતું કે, ગેસની અછત માત્ર ગુજરાત નહીં સમગ્ર દેશમાં છે. ઘરેલુ ગેસને અત્યારે પ્રથમ પ્રાથમિકતા અપાઈ રહી છે. ઉદ્યોગોના ગેસ સપ્લાયમાં મોટો કાપ મુકવામાં આવ્યો છે. સરકારની ગાઈડ લાઈન મુજબ લોકોએ વર્તવું જોઈએ.

આ પણ વાંચોઃ Patan News : સિંગર કિંજલ રબારીએ અશોક ચૌધરી સાથે ભાગીને લગ્ન કર્યા, પોલીસ પ્રોટેક્શન માંગ્યું


  • Follow us on: