સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોટી નરોલી પાસે ધનવંતરી શાળાના બસ ચાલકની ભારે બેદરકારી સામે આવતા વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલ બસ હાઈવે પરના એક ટેકરા પર ચઢી ગઈ હતી. અચાનક બસ રિવર્સ આવવા લાગતા ચાલક ગભરાઈ ગયો હતો અને બસમાં બેઠેલા નિર્દોષ વિદ્યાર્થીઓને સુરક્ષિત કરવાને બદલે તે પોતે ચાલુ બસમાંથી કૂદીને ભાગી છૂટ્યો હતો. બસમાં ફસાયેલા માસૂમ બાળકોના જીવ તાળવે ચોંટ્યા હતા, જોકે સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી અને બાળકોનો આબાદ બચાવ થયો છે.

વાલીઓ લાલઘૂમ

આ ઘટના બાદ વાલીઓનો રોષ બેવડાયો હતો કારણ કે અકસ્માતની જાણ કરવા છતાં શાળા મેનેજમેન્ટ તરફથી કોઈ પણ વ્યક્તિ ઘટનાસ્થળે પહોંચી ન હતી. વાલીઓએ આક્ષેપ કર્યો છે કે શાળા તંત્ર બાળકોની સુરક્ષાને લઈને બિલકુલ ગંભીર નથી. રસ્તા પર બસ રિવર્સ આવવાની અને ડ્રાઈવરના ફરાર થઈ જવાની આ ઘટનાએ ખાનગી શાળાઓમાં ટ્રાન્સપોર્ટેશનની સુરક્ષા સામે અનેક સવાલો ઉભા કર્યા છે. હાલમાં વાલીઓ દ્વારા આ મામલે જવાબદાર ચાલક અને શાળા સામે કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી રહી છે.