ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સુરતમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) દ્વારા તૈયાર કરવામાં આવેલી રાજ્યની સૌથી મોટી અને અત્યાધુનિક 'એલિવેટેડ શાક માર્કેટ'નું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જમીનની અછત અને આધુનિકીકરણની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, આ માર્કેટને સામાન્ય બજારોથી વિપરીત પ્રથમ માળ પર તૈયાર કરીને ગુજરાતમાં એક નવો ઇતિહાસ રચવામાં આવ્યો છે.


એરપોર્ટની જેમ 100 ફૂટનો રેમ્પ અને હાઇટેક સુવિધાઓ

આ એલિવેટેડ માર્કેટને વેપારીઓ અને ખેડૂતોની સુવિધા માટે અત્યંત આધુનિક રીતે ડિઝાઇન કરવામાં આવી છે.મોટા અને ભારે વાહનો માલસામાન સાથે સરળતાથી ઉપરના માળે પહોંચી શકે તે માટે એરપોર્ટની જેમ 100 ફૂટનો પહોળો રેમ્પ બનાવવામાં આવ્યો છે.વેપારીઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને દરેક દુકાનમાં એક મોટું ગોડાઉન અને બે ઓફિસની વ્યવસ્થા કરવામાં આવી છે. આ માર્કેટમાં દેશના 15 જેટલા વિવિધ રાજ્યોમાંથી વેપારીઓ શાકભાજી અને ફળોના વેચાણ માટે આવે છે, જે વાર્ષિક ₹3700 કરોડના તોતિંગ ટર્નઓવર સાથે રાજ્યના અર્થતંત્રમાં મોટો ફાળો આપે છે.

 પર્યાવરણ લક્ષી પહેલ 

આ માર્કેટ માત્ર આધુનિકીકરણમાં જ નહીં, પરંતુ પર્યાવરણ જાળવણીમાં પણ અગ્રેસર છે. માર્કેટમાંથી નીકળતા પુષ્કળ પ્રમાણમાં વેસ્ટેજ શાકભાજી અને કચરાના નિકાલ માટે અહીં બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. આ પ્લાન્ટમાં બગડી ગયેલા શાકભાજીને નાખીને તેમાંથી CNG ગેસ બનાવવામાં આવે છે, જે ગ્રીન એનર્જી તરફનું એક મજબૂત પગલું છે.

 મુખ્યમંત્રીએ ખેડૂતલક્ષી નિર્ણયો પર ભાર મૂક્યો

લોકાર્પણ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે APMCના નવા શેડનું લોકાર્પણ કર્યા બાદ સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, સરકારે હંમેશા ખેડૂતોના હિતમાં નિર્ણયો કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ ક્ષેત્ર પર સતત ભાર મૂક્યો છે અને રાજ્ય સરકાર પણ ખેડૂતોના વિકાસ માટે અનેક યોજનાઓ શરૂ કરી છે. આ એલિવેટેડ માર્કેટ સુવિધાઓ અને પર્યાવરણલક્ષી પગલાંનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.


વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ 

  • Follow us on: