સુરત શહેરના ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં પાર્કિંગ કોન્ટ્રાક્ટરોની ગુંડાગીરી દિવસેને દિવસે વધી રહી છે. તાજેતરમાં અન્નપૂર્ણા ટેક્સટાઇલ માર્કેટનો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં પાર્કિંગ કોન્ટ્રાક્ટર અને તેના માણસો એક યુવક સાથે નિર્મમ રીતે મારામારી કરતા જોવા મળી રહ્યા છે. મળતી માહિતી મુજબ, એક યુવક માર્કેટમાં પાર્સલ આપવા માટે આવ્યો હતો, ત્યારે પાર્કિંગ ચાર્જ લેવાની બાબતે કોન્ટ્રાક્ટરના માણસો સાથે તેની ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ મામૂલી વિવાદે જોતજોતામાં હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
સુરતમાં કાયદો કોના ખિસ્સામાં?
કોન્ટ્રાક્ટર અને તેના સાગરીતોએ કાયદો હાથમાં લઈને યુવક પર હુમલો કર્યો હતો અને તેને જાહેરમાં માર માર્યો હતો. માર્કેટમાં હાજર લોકો આ દ્રશ્ય જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જે હવે વાયરલ થઈ રહી છે. વારંવાર સામે આવતી આવી ઘટનાઓએ સુરતના વેપારીઓ અને મુલાકાતીઓમાં ફફડાટ ફેલાવ્યો છે. લોકો હવે માંગ કરી રહ્યા છે કે પોલીસ આ ગુંડા તત્વો સામે કડક કાર્યવાહી કરે જેથી જાહેર સ્થળોએ આવી ગુંડાગીરી અટકે.
