સુરતના રાંદેર વિસ્તારમાં નજીવી રકમના ઝઘડાએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે. માત્ર રૂ. 1500ની લેતીદેતીના વિવાદમાં એક યુવકની ઘાતકી હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. ચોંકાવનારી વિગત એ છે કે હત્યારો અને મૃતક બંને મિત્રો હતા અને એકસાથે કામ કરતા હતા. પૈસાની ઉઘરાણી બાબતે બંને વચ્ચે બોલાચાલી થયા બાદ મામલો વણસ્યો હતો અને આવેશમાં આવીને સાથી કર્મચારીએ જ યુવક પર હુમલો કરી તેને મોતના ઘાટ ઉતારી દીધો હતો.
પોલીસે તપાસ હાથ ધરી
રાંદેર પોલીસે આ મામલે ગુનો નોંધીને હત્યારાની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે. ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આર્થિક વ્યવહારના કારણે લાંબા સમયથી બંને વચ્ચે મનદુઃખ ચાલી રહ્યું હતું, જેનો અંત આ કરુણ હત્યામાં આવ્યો છે. હાલમાં પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ અને અન્ય સાક્ષીઓની પૂછપરછ કરીને વધુ પુરાવા એકત્ર કરી રહી છે.
