આંતરરાષ્ટ્રીય સ્તરે યુદ્ધની જે પરિસ્થિતિ નિર્માણ પામી છે, તેની સીધી અને નકારાત્મક અસર હવે સુરતના એવિએશન સેક્ટર (ઉડ્ડયન ઉદ્યોગ) પર જોવા મળી રહી છે. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી વિદેશ યાત્રા કરનારા મુસાફરોની સંખ્યામાં એપ્રિલ મહિના દરમિયાન અભૂતપૂર્વ ઘટાડો નોંધાયો છે. મધ્ય-પૂર્વ (Middle East) માં વધતા જતા યુદ્ધના કારણે સુરતથી ઓપરેટ થતી મુખ્ય આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો અટકી પડી છે, જેના લીધે પ્રવાસીઓનો ગ્રાફ ચિંતાજનક રીતે નીચે આવ્યો છે.

જાન્યુઆરીની સરખામણીએ એપ્રિલમાં ટ્રાફિક તળિયે

સુરત એરપોર્ટના સત્તાવાર આંકડાઓ પર નજર કરીએ તો, ચાલુ વર્ષના જાન્યુઆરી મહિનામાં સુરતથી રેકોર્ડબ્રેક ૨૩,૬૦૦ જેટલા પ્રવાસીઓએ વિદેશની ધરતી પર પ્રવાસ ખેડ્યો હતો. જો કે, ત્યાર બાદ યુદ્ધની સ્થિતિ વધુ વણસતાં એરલાઇન્સ કંપનીઓએ સુરક્ષાના કારણોસર મોટો નિર્ણય લીધો હતો. પરિણામે, એપ્રિલ મહિનામાં આ આંકડો ભારે પછડાટ સાથે માત્ર ૪,૧૧૪ પ્રવાસીઓ પર આવીને અટકી ગયો છે. એટલે કે માત્ર ત્રણ જ મહિનાના ગાળામાં આંતરરાષ્ટ્રીય પેસેન્જરોની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે.

શારજાહ અને દુબઈ રૂટ પ્રભાવિત

સુરતથી સૌથી વધુ બિઝનેસ ટ્રાફિક દુબઈ અને શારજાહ રૂટ પર રહે છે. સુરતના હીરા ઉદ્યોગ અને ટેક્સટાઈલ માર્કેટ સાથે સંકળાયેલા હજારો વેપારીઓ આ ફ્લાઈટોનો નિયમિત ઉપયોગ કરે છે. પરંતુ યુદ્ધના કારણે સર્જાયેલી કટોકટીને પગલે શારજાહ અને દુબઈ જેવા મહત્વના દેશોની ફ્લાઈટો કાં તો બંધ કરવી પડી છે અથવા તેના શિડ્યુલમાં મોટો ફેરફાર થયો છે. ડાયરેક્ટ ફ્લાઈટો બંધ થવાના કારણે પ્રવાસીઓએ હવે વાયા મુંબઈ અથવા અમદાવાદ થઈને જવાની ફરજ પડી રહી છે, જે લાંબી અને ખર્ચાળ પ્રક્રિયા છે. ટ્રાવેલ એજન્ટોના મતે જો વૈશ્વિક સ્તરે શાંતિ નહીં સ્થપાય તો આગામી વેકેશન સિઝનમાં પણ સુરત એરપોર્ટના ઈન્ટરનેશનલ ટ્રાફિકને મોટું નુકસાન વેઠવું પડી શકે છે.

આ પણ વાંચો: Kheda: ATM બદલી રૂપિયા ઉપાડી લેતો શાતિર ઠગ કપડવંજમાંથી ઝડપાયો, 66 એટીએમ કાર્ડ જપ્ત