સુરતમાં જાણીતા વારી ગ્રુપ (Waaree Group) પર આવકવેરા વિભાગ (I.T. Department) દ્વારા પાડવામાં આવેલા દરોડાના પગલે ભારે ખળભળાટ મચી ગયો છે. મુખ્યત્વે વારી એનર્જીમાંથી જમીન-રોકાણ સંબંધિત સંખ્યાબંધ મહત્વના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે.
વારી ગ્રુપ પર IT રેડમાં દસ્તાવેજો જપ્ત
વારી એનર્જી, જે સોલાર પેનલની આયાત-નિકાસના વ્યવસાયમાં સંકળાયેલું છે, તેના પર દરોડા દરમિયાન I.T. વિભાગે ગેરરીતિઓ સૂચવતા નીચેના દસ્તાવેજો અને સાધનો જપ્ત કર્યા છે. જમીન અને રોકાણ સંબંધિત મોટી સંખ્યામાં દસ્તાવેજો. ડિજિટલ સાધનો અને નાણાકીય ટ્રેલ સંબંધિત દસ્તાવેજો.
દસ્તાવેજોમાં મોટા નામ ખુલે તેવી શક્યતા
આવકવેરા વિભાગનું માનવું છે કે જપ્ત કરાયેલા આ દસ્તાવેજોમાં અનેક મોટા માથાઓના નામ ખુલી શકે છે. ગ્રુપનો પ્લાન્ટ શરૂ થયાના માત્ર સાત મહિનામાં જ દરોડા પડતાં આ મામલો અત્યંત ચર્ચામાં આવ્યો છે. જો I.T. તપાસનો રેલો જમીન વેચનારાઓ સુધી પહોંચશે તો સુરત અને આસપાસના રિયલ એસ્ટેટ સેક્ટરમાં પણ મોટી અસર થવાની શક્યતા છે. આવકવેરા વિભાગ દ્વારા જપ્ત કરાયેલા તમામ દસ્તાવેજોનું મૂલ્યાંકન કરવામાં આવશે, ત્યારબાદ ગેરરીતિમાં સંડોવાયેલા સંબંધિત પક્ષકારોને નોટિસ ફટકારવામાં આવશે.
ITની રડારમાં અન્ય કોણ?
આ દરોડામાં માત્ર વારી ગ્રુપ જ નહીં, પરંતુ સુરત-નવસારીના બે અને વલસાડના એક સહિત કુલ ત્રણ બિલ્ડરો તેમજ એક હવાલા ઓપરેટર પણ I.T. વિભાગની અડફેટે ચઢી ગયા છે.