ગુજરાતના અનેક શહેરોમાં 'કે. પટેલ માઇક્રો ફાઇનાન્સ' (K. Patel Micro Finance) નામની લોભામણી સ્કીમ આપીને રોકાણકારો પાસેથી ₹84 લાખ પડાવીને ફરાર થઈ ગયેલા મુખ્ય સૂત્રધાર આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે રાજકોટના એક આશ્રમ ખાતેથી ઝડપી પાડ્યો છે.
સાધુનો વેશ ધારણ કરીને છુપાયો હતો
છેતરપિંડીનો ગુનો આચર્યા બાદ આરોપી પોલીસથી બચવા માટે સતત સ્થળ બદલતો રહેતો હતો. પોલીસે આપેલી માહિતી મુજબ, આરોપીએ પોતાની ઓળખ છુપાવવા માટે સાધુનો વેશ ધારણ કરી લીધો હતો અને રાજ્યના અલગ-અલગ શહેરોમાં આવેલા આશ્રમોમાં રહેતો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે આ વોન્ટેડ આરોપીને રાજકોટના જોગમઢી આશ્રમ ખાતેથી ઝડપી પાડ્યો હતો
લોભામણી સ્કીમ દ્વારા છેતરપિંડી
વર્ષ 20215 માં આ આરોપીએ અન્ય ભાગીદાર આરોપીઓ સાથે મળીને ગુજરાતના અનેક શહેરોમાં 'કે. પટેલ એન્ડ એસોસિએટ' (K. Patel & Associate) તથા 'કે. પટેલ માઇક્રો ફાઇનાન્સ' નામની ઓફિસો ખોલી હતી. કંપનીઓ દ્વારા રોકાણકારોને "પૈસા રોકાણ કરશો તો વ્યાજે પૈસા મળશે" જેવી લોભામણી લાલચો આપવામાં આવી હતી. આ સ્કીમ્સના નામે રાજ્યના અનેક શહેરના ફરિયાદીઓ પાસેથી કુલ ₹84 લાખ રૂપિયા પડાવીને આ મુખ્ય સૂત્રધાર ફરાર થઈ ગયો હતો. આરોપીઓ વિરુદ્ધ સુરત શહેરના કતારગામ પોલીસ સ્ટેશનમાં પણ છેતરપિંડીનો ગુનો નોંધાયેલો છે. પોલીસે મુખ્ય સૂત્રધાર આરોપીની ધરપકડ કરીને આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય ભાગીદારો અને વધુ વિગતો જાણવા માટે સઘન તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: ITAT મેમ્બર કમલેશ રાઠોડની CBI દ્વારા ધરપકડ, કરોડોના કૌભાંડનો પર્દાફાશ!