સુરતના વરાછા વિસ્તારમાં પોલીસ વિભાગને શરમાવે તેવી ઘટના સામે આવી છે. વરાછાના પોદ્દાર આર્કેડ કોમ્પલેક્ષ પાસે એન્ટી કરપ્શન બ્યુરોએ છટકું ગોઠવીને એક લોકરક્ષક જવાન અને તેના વચેટિયાને લાંચ લેતા ઝડપી પાડ્યા છે. વિગતો મુજબ, લોકરક્ષક જવાન ધીરુ ઠાકરીયાએ મસાજ પાર્લરનો ધંધો શરૂ કરવા અને તેને નિર્વિઘ્ને ચલાવવા દેવા માટે રૂ. 25,000ની લાંચની માંગણી કરી હતી. લોકરક્ષક વતી વચેટિયો રોનક ત્રિવેદી જ્યારે લાંચના નાણાં સ્વીકારી રહ્યો હતો ત્યારે જ ACBની ટીમે તેને રંગેહાથ ઝડપી પાડી ભ્રષ્ટાચારના આ ખેલનો પર્દાફાશ કર્યો હતો.
લાંચ લેતા રંગેહાથ ઝડપાયો વચેટિયો
ફરિયાદી પાસે મસાજ પાર્લર ચલાવવાના બદલામાં હપ્તા પેટે નાણાં માંગવામાં આવ્યા હતા, જેનાથી કંટાળીને ફરિયાદીએ ACBનો સંપર્ક કર્યો હતો. ACBએ આયોજનબદ્ધ રીતે છટકું ગોઠવ્યું હતું, જેમાં વચેટિયો રોનક ત્રિવેદી રૂ. 25,000 લેતા ઝડપાઈ ગયો હતો. તપાસમાં લોકરક્ષક જવાન ધીરુ ઠાકરીયાની સીધી સંડોવણી ખુલતા પોલીસે બંને વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે સુરત પોલીસ બેડામાં લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.













