સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના હથોડા ગામે મોડી રાત્રે હિંસક અથડામણની ઘટના સામે આવી છે. ગૌવંશની કતલ થતી હોવાની ચોક્કસ બાતમીના આધારે દરોડા પાડવા ગયેલી પોલીસ ટીમ અને ગૌરક્ષકો પર અસામાજિક તત્વોએ હુમલો કરી દેતા અફરાતફરી મચી ગઈ હતી. આ હુમલામાં એક પોલીસકર્મી અને એક ગૌરક્ષક ઇજાગ્રસ્ત થયા છે.
માંગરોળમાં પોલીસ પર હુમલો
મળતી માહિતી મુજબ, માંગરોળના હથોડા ગામે ગેરકાયદેસર રીતે ગૌવંશની કતલ કરવામાં આવી રહી હોવાની બાતમી પોલીસને મળી હતી. આ બાતમીને આધારે પોલીસ ટીમ અને કેટલાક ગૌરક્ષકો મોડી રાત્રે ઘટનાસ્થળે તપાસ કરવા પહોંચ્યા હતા. જોકે, પોલીસને આવતી જોઈને ત્યાં હાજર શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને લાકડીઓ તેમજ ધારદાર હથિયારો વડે હુમલો કરી દીધો હતો.
પોલીસકર્મી અને ગૌરક્ષક ઇજાગ્રસ્ત
આ અચાનક થયેલા હુમલામાં એક પોલીસ જવાનને હાથમાં ગંભીર ઇજા પહોંચી છે, જ્યારે એક ગૌરક્ષકને વધુ ઇજા થતા તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. હુમલાખોરોએ પોલીસની કાયદેસરની કાર્યવાહીમાં રૂકાવટ ઉભી કરી ભયનું વાતાવરણ સર્જ્યું હતું.
ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
ઘટનાની ગંભીરતાને જોતા સુરત ગ્રામ્ય પોલીસનો મોટો કાફલો હથોડા ગામે દોડી ગયો હતો. હાલ સમગ્ર ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને હુમલાખોરોને પકડી પાડવા માટે શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસે આ મામલે રાયોટિંગ અને ફરજમાં રુકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો: Kutch: PGVCLની મેગા ડ્રાઇવના પ્રથમ દિવસે જ રેકોર્ડબ્રેક 6.40 કરોડની વસૂલાત