સુરત સાયબર ક્રાઇમ સેલે શેરબજારમાં રોકાણના નામે રોકાણકારોને લાખોનો ચૂનો લગાવતી એક રીઢા ગુનેગારોની ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે સુરતના પુણાગામ વિસ્તારમાંથી બે આરોપીઓની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં આ ગેંગે દેશભરમાં અંદાજે 53 કરોડ રૂપિયાનું ફ્રોડ કર્યું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. 30 લાખની ઠગાઈથી શરૂ થઈ તપાસ: આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે એક ફરિયાદીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓએ ટેલિગ્રામના માધ્યમથી ફરિયાદીનો સંપર્ક કર્યો હતો અને શેરબજારમાં રોકાણ કરી ટૂંકા સમયમાં મોટી કમાણી કરવાની લાલચ આપી હતી. ફરિયાદીએ વિશ્વાસમાં આવીને ટુકડે-ટુકડે 30 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. રકમ મળતા જ આરોપીઓએ પોતાના ફોન બંધ કરી દીધા હતા.
દેશભરમાં 57 ફરિયાદો નોંધાઈ
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ NCCRP (National Cyber Crime Reporting Portal) પર દેશભરમાંથી કુલ 57 ફરિયાદો નોંધાયેલી છે. આરોપીઓ પાસેથી નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. 4 મોબાઇલ ફોન. 5 ડેબિટ કાર્ડ, 7 ચેક બુક અને 5 સીમકાર્ડ, રૂ. 1.35 લાખની રોકડ રકમ મળી આવી છે. આરોપીઓ સોશિયલ મીડિયા, ખાસ કરીને ટેલિગ્રામ પર 'શેરબજાર ટિપ્સ' અને 'હાઈ રિટર્ન'ના ગ્રુપ બનાવી લોકોનો સંપર્ક કરતા હતા. શરૂઆતમાં વિશ્વાસ જીતવા માટે નાનું વળતર આપતા અને ત્યારબાદ મોટી રકમનું રોકાણ કરાવીને ગાયબ થઈ જતા હતા. હાલ પોલીસ આ કેસમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે અને આ નાણાં ક્યાં મોકલવામાં આવ્યા છે તે દિશામાં તપાસ કરી રહી છે. સુરત પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર અજાણી વ્યક્તિ દ્વારા આપવામાં આવતી શેરબજારની લાલચમાં ન આવવું અને માત્ર રજિસ્ટર્ડ બ્રોકર્સ દ્વારા જ રોકાણ કરવું.













