સુરતના વેલંજા વિસ્તારમાં એક શર્મસાર કરનારી ઘટના સામે આવી છે, જેમાં 16 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેની પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. આ મામલે ઉત્રાણ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપી કાર્તિક સભાડિયાની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
પ્રેમજાળમાં ફસાવી આચર્યું પાપ
મળતી માહિતી મુજબ, આરોપી કાર્તિકે સગીરાને લગ્નની લાલચ આપી પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ તે સગીરાને પોતાની માતા સાથે મુલાકાત કરાવવાના બહાને વેલંજાની ગોકુલધામ સોસાયટીમાં લઈ ગયો હતો. ત્યાં સગીરાની મરજી વિરુદ્ધ તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતા.
4 માસનો ગર્ભ રહેતા ભાંડો ફૂટ્યો
આ અત્યાચાર બાદ સગીરા ગર્ભવતી બની ગઈ હતી. જ્યારે પરિવારને જાણ થઈ કે સગીરાને ૪ માસનો ગર્ભ છે, ત્યારે પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ બાબતે પૂછપરછ કરતા સમગ્ર હકીકત સામે આવી હતી, જેનાથી પરિવારમાં ભારે ખળભળાટ મચી ગયો હતો.
પોલીસ કાર્યવાહી
સગીરાના પરિવારે આ મામલે ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો દાખલ કર્યો હતો. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી કાર્તિક સભાડિયાને દબોચી લીધો હતો. હાલ પોલીસ આ મામલે આગળની કાયદેસરની તપાસ ચલાવી રહી છે.
આ પણ વાંચો: Morbi: ઘૂનડા રોડ પર કાર અને રિક્ષા વચ્ચે જોરદાર અકસ્માત, બે બાળકો સહિત 4 લોકો ઇજાગ્રસ્ત