સુરત જિલ્લામાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો હોય તેમ લાગે છે. સુરત એસઓજી (SOG) પોલીસે બાતમીના આધારે માંગરોળ તાલુકાના નવાપુરા જીઆઈડીસી વિસ્તારમાં રેડ કરીને એક બોગસ ડોક્ટરને ઝડપી લીધો છે. આ કથિત ડોક્ટર કોઈપણ માન્ય ડિગ્રી કે ગુજરાત મેડિકલ કાઉન્સિલના પ્રમાણપત્ર વગર નિર્દોષ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યો હતો.
ઘટનાની વિગત
ઘટનાની મળતી માહિતી અનુસાર, નવાપુરા જીઆઈડીસી વિસ્તારમાં એક શખ્સ ક્લિનિક ખોલીને બેઠો હોવાની બાતમી પોલીસને મળી હતી. પોલીસે જ્યારે ક્લિનિક પર તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે સંચાલક પાસે મેડિકલ પ્રેક્ટિસ માટેની કોઈ પણ પ્રકારની ડિગ્રી નથી. ક્લિનિકમાં દર્દીઓના ઇલાજ માટે 2 બેડની સુવિધા પણ રાખવામાં આવી હતી, જે દર્શાવે છે કે, અહીં ગંભીર બિમારીઓના ઇલાજ કરવાનો પણ દાવો કરવામાં આવતો હતો.
