કીમ પોલીસે ખોટો દસ્તાવેજ બનાવી સગીરા સાથે લગ્ન કરી પાંચ મહિનાથી ફરાર કીમની સ્કૂલોમાં ડાન્સ શીખવતા પરિણીત શખ્સ અને ખોટા દસ્તાવેજ બનાવી આપનારને પોલીસે કીમ પાસેથી ઝડપી પાડયા હતા. પોક્સોના ગુનાના આ વોન્ટેડ આરોપી પાંચ મહિનાથી સુરતમાં છુપાઈને રહેતો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર કીમ ખાતે રહેતો દેવેશ ઉર્ફે દેવસર ડાન્સર છે. તે કીમ વિભાગની અલગ અલગ સ્કૂલોમાં વિદ્યાર્થીઓને ડાન્સ શીખવતો હતો. તેમજ અગાઉ ડાન્સ અને ગરબા ક્લાસિસ ચલાવતો હતો. જે દરમિયાન દેવેશની ઓળખ કીમ ખાતે રહેતી સગીરા સાથે થઇ હતી. પોતે પરિણીત હતો છતાં આ હકીકત છુપાવી દેવેશે સગીરાને લગ્નની લાલચ આપી પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. દેવેશે પોતાના પરિચિત સંજીતકુમાર લાલબહાદુર યાદવ પાસે સગીરાના બનાવટી દસ્તાવેજો તૈયાર કરાવ્યા હતા. જેમાં સગીરાની ઉંમર પુખ્ત વયની દર્શાવીને ભગાડીને લગ્ન કરી તેની નોંધણી કરાવી હતી. આ ગંભીર મામલે કીમ પોલીસે દેવેશ અને સંજીતકુમાર સામે ગુનો નોંધ્યો હતો. જે તે વખતે પોતાના કારનામાને અંજામ આપ્યા બાદ બંને ભાગી છૂટયા હતા. ગત રોજ કીમ પોલીસને દેવેશ અને સંજીત કીમ ખાતે આવ્યા હોવાની બાતમી મળી હતી. કીમ પોલીસે છાપો મારી પાંચ મહિનાથી નાસતા ફરતા દેવેશ અને સંજીતને ઝડપી પાડયા હતા.
