સુરતના દેવધ ગામમાં આવેલા ગોડાઉન વિસ્તારમાં આજે વહેલી સવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં ફર્નિચર અને ટ્રાન્સપોર્ટના અંદાજે 20 જેટલા ગોડાઉનો તેની ચપેટમાં આવી ગયા હતા. ઘટનાની જાણ થતા જ સુરત ફાયર બ્રિગેડની અનેક ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. કલાકોની ભારે જહેમત બાદ અંતે આગ પર કાબૂ મેળવી શકાયો છે, પરંતુ આ દુર્ઘટનામાં મોટા પાયે આર્થિક નુકસાન થયું હોવાનો અંદાજ છે. સદનસીબે, હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી.


દેવધ અગ્નિકાંડ

આગ બુઝાવવાની કામગીરી દરમિયાન ફાયર વિભાગને ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ગોડાઉનોની આસપાસ મોટા પાયે ગેરકાયદે પતરાના શેડ ઉભા કરી દેવામાં આવ્યા હોવાથી ફાયરના વાહનોને અંદર પ્રવેશવામાં અડચણ ઉભી થઈ હતી. અંતે, ફાયરની ટીમોએ જેસીબી અને અન્ય સાધનો વડે આ પતરાના શેડ તોડીને અંદર પ્રવેશ મેળવ્યો હતો અને પાણીનો મારો ચલાવ્યો હતો. આ ઘટનાએ ઔદ્યોગિક વિસ્તારોમાં થતા ગેરકાયદે બાંધકામો અને ફાયર સેફ્ટીના અભાવ સામે ફરી એકવાર મોટા સવાલો ઉભા કર્યા છે.

આ પણ વાંચો : Rajkot માં વાયરલ ઇન્ફેકશનનો કહેર, દરરોજ સરેરાશ 300 થી વધુ લોકો બીમારીનો શિકાર

  • Follow us on: