આજના ડિજિટલ યુગમાં સાયબર ક્રાઇમની ઘટનાઓ સતત વધી રહી છે, ત્યારે સુરતની ઉધના પોલીસે એક અત્યંત મોટા આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ કરીને મોટી સફળતા મેળવી છે. કુલ 1550 કરોડ રૂપિયાના આ સાયબર કૌભાંડમાં પોલીસે વધુ ચાર આરોપીઓની ધરપકડ કરી છે, જેમના પાસેથી કરોડોની રોકડ અને મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
મુખ્ય સૂત્રધાર સહિત 4ની ધરપકડ
ઉધના પોલીસે આ કેસમાં સઘન તપાસ કરીને અબ્દુલરબ ચામડીયા, અમીત ચોક્સી, ચિરાગ ઉર્ફે ચાર્લી સુતરીયા અને પ્રવિણ ગઢીયાની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલો આરોપી અબ્દુલરબ ચામડીયા આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર છે. તેની ધરપકડથી આ આંતરરાષ્ટ્રીય નેટવર્કના અનેક રહસ્યો ખુલવાની શક્યતા છે.
કરોડોનો મુદ્દામાલ અને રોકડ જપ્ત
પોલીસે આરોપીઓ પાસેથી જે વસ્તુઓ જપ્ત કરી છે તે જોઈને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. 1.92 કરોડ રૂપિયા રોકડા.39.35 લાખના સોના-ચાંદીના દાગીના અને 20 હજારના હીરા. ચાર જેટલા રોકડ ગણવાના મશીન. અંદાજે 2.60 કરોડથી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે.
USDT (ક્રિપ્ટોકરન્સી) દ્વારા વ્યવહાર
તપાસમાં ખુલાસો થયો છે કે આ ટોળકી અત્યંત શાતિર રીતે વ્યવહાર કરતી હતી. આરોપીઓ ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન માટે USDT (ક્રિપ્ટોકરન્સી) નો ઉપયોગ કરતા હતા જેથી પોલીસની નજરમાંથી બચી શકાય. મુખ્ય આરોપી અબ્દુલરબ અન્ય ત્રણ આરોપીઓને પૈસા ઇન્વેસ્ટમેન્ટ માટે આપતો હતો, અને તેમાંથી થતો નફો પરત મેળવતો હતો.
પોલીસની અત્યાર સુધીની કાર્યવાહી
ઉધના પોલીસ આ મામલે લાંબા સમયથી તપાસ ચલાવી રહી છે. અગાઉ આ કેસમાં 15 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, અને હવે વધુ 4ની ધરપકડ સાથે કુલ આરોપીઓનો આંકડો વધ્યો છે. સુરત પોલીસ હવે આ કૌભાંડના છેડા કયા કયા દેશો સાથે જોડાયેલા છે અને અન્ય કોણ કોણ આમાં સામેલ છે તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
આ પાણ વાંચો: હારીજ-રાધનપુર હાઈવે પર લક્ઝરી બસ અને એક્ટિવા વચ્ચે અકસ્માત, બેના મોત