ડાયમંડ સિટી સુરતમાં ફરી એકવાર બેફામ દોડતા ભારે વાહનોએ એક માસૂમનો ભોગ લીધો છે. સુરત શહેરના પુણાગામ વિસ્તારમાં આવેલી રેશમા ચોકડી પાસે આજે સવારે રોંગ સાઈડમાં આવતા એક આઈસર ચાલકે નિર્દોષ બાળકને કચડી નાખતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. અકસ્માત એટલો ભયાનક હતો કે, માસૂમ બાળકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.


લોકોએ ડ્રાઈવરને પાઠ ભણાવ્યો

ઘટનાની મળતી માહિતી અનુસાર, રેશમા ચોકડી પાસે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી રોંગ સાઈડમાં આવી રહેલા આઈસરના ચાલકે બાળકને અડફેટે લીધું હતું. ટાયર નીચે આવી જવાથી બાળકનું સ્થળ પર જ મોત થયું હતું. અકસ્માત સર્જીને ડ્રાઈવર વાહન છોડી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ આસપાસ ઉભેલા સતર્ક સ્થાનિકોએ તેને પીછો કરીને ઝડપી લીધો હતો. ગુસ્સે ભરાયેલા ટોળાએ ડ્રાઈવરને મેથીપાક ચખાડી પોલીસને હવાલે કર્યો હતો.

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

ઘટનાની જાણ થતા જ પુણાગામ પોલીસનો કાફલો ઘટ નાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બાળકના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટ મોર્ટમ અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો છે. પોલીસે અકસ્માત સર્જનાર આઈસર ચાલકની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં વારંવાર બનતી આવી ઘટનાઓને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રોંગ સાઈડમાં વાહનો ચલાવતા ચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માગ ઉઠી છે.


આ પણ વાંચો - Surat News: મનપાએ રસ્તો બનાવ્યો પણ ઢાંકણું ન લગાવ્યું, વાહન ચાલકોને અકસ્માતનો ભય


  • Follow us on: