સુરતમાં રાત્રિના સમયે રાહદારીઓને ટાર્ગેટ કરીને મોબાઇલ સ્નેચિંગ કરતી ગેંગ સામે ઉત્રાણ પોલીસે સફળતા મેળવી છે. પોલીસે સતત 15 દિવસ સુધી CCTV કેમેરાના ફૂટેજ ચેક કરવાની સઘન મહેનત બાદ બે રીઢા મોબાઇલ સ્નેચરોની ધરપકડ કરીને તેમની પાસેથી ચોરી કરેલા 6 મોબાઇલ ફોન કબ્જે કર્યા છે.


રાત્રે ચાલતા લોકોને બનાવતા હતા નિશાન

પોલીસે ધરપકડ કરેલા આરોપીઓમાં શિવમ ઉર્ફે છોટુ સુરેંદ્રભાઇ બધેલ અને વિકાસ શેષનાથ સિંગનો સમાવેશ થાય છે. આ બંને આરોપીઓની કાર્ય કરવાની પદ્ધતિ (મોડસ ઓપરેન્ડી) એવી હતી કે તેઓ રાત્રિના સમયે રોડ પર ચાલવા નીકળતા કે એકલા ઊભા રહેલા લોકોને ટાર્ગેટ કરતા.ચાલુ બાઈક પર પાછળથી આવીને રાહદારીના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી લેતા. સ્નેચિંગ કર્યા બાદ તેઓ તરત જ ફૂલ સ્પીડમાં બાઈક ભગાવીને ભાગી જતા હતા.

 6 મોબાઈલ અને મોટરસાયકલ જપ્ત

પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરીને તેમની પાસેથી મોબાઇલ સ્નેચિંગ કરેલા 6 નંગ મોબાઇલ ફોન અને સ્નેચિંગમાં ઉપયોગમાં લેવાયેલી મોટરસાયકલ પણ કબ્જે કરી છે. આ તમામ મોબાઈલ ચોરીના હોવાનું પોલીસે જણાવ્યું છે. પોલીસ દ્વારા આરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે, જેનાથી સુરત શહેરના બીજા અનડિટેક્ટ થયેલા મોબાઇલ સ્નેચિંગના ગુનાઓ પણ ઉકેલાય તેવી શક્યતા છે.

વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ 

  • Follow us on: