સુરતના ભટાર આવાસ વિસ્તારમાં આજે એક કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે, જેમાં એક માતાએ પોતાના વ્હાલસોયા દીકરા સાથે બિલ્ડિંગના 14મા માળેથી નીચે પડતું મૂકી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. 14મા માળેથી નીચે પટકાતા માસૂમ દીકરાને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે આસપાસના રહીશો એકઠા થઈ ગયા હતા અને સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરતા કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.


ગંભીર હાલતમાં માતા હોસ્પિટલમાં

આ આત્મઘાતી પ્રયાસમાં માતાનો આબાદ બચાવ થયો છે, પરંતુ તેમની હાલત અત્યંત નાજુક હોવાનું જણાવાઈ રહ્યું છે. તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેઓ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. માતાએ આવું અંતિમ પગલું શા માટે ભર્યું, તે પાછળ કૌટુંબિક કલેશ જવાબદાર છે કે અન્ય કોઈ કારણ, તે દિશામાં પોલીસ દ્વારા ઊંડી તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Bhavnagar News : બાંગ્લાદેશમાં હિન્દુઓની સ્થિતિ પર મોરારીબાપુનું મોટું નિવેદન, જાણો શું કહ્યું...

  • Follow us on: