સુરતના ઉધના વિસ્તારમાં એક સગીરાની છેડતી કરનાર શખ્સને તેની માતાએ જાહેરમાં મેથીપાક ચખાડ્યો હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ, ગત 30 જાન્યુઆરીના રોજ એક રોમિયોએ સગીરાની છેડતી કરી હતી. આ બાબતની જાણ સગીરાની માતાને થતા, તે પોતાની દીકરીની રક્ષા માટે રણચંડી બની હતી અને છેડતીખોરને જાહેરમાં જ પકડી પાડ્યો હતો. માતાએ આવેશમાં આવીને રસ્તા વચ્ચે જ આ શખ્સને લાફાવાળી કરી દીધી હતી, જેનાથી આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા.

છેડતીખોરની જાહેરમાં ફજેતી

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. રોષે ભરાયેલા સ્થાનિક લોકોના ટોળાએ પણ આ છેડતીખોર યુવકને બેફામ માર માર્યો હતો. લોકોમાં આ પ્રકારની લુખ્ખાગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે માતા પોતાની દીકરીના આત્મસન્માન માટે લડત આપી રહી છે. આ કિસ્સાએ ફરી એકવાર સુરતમાં મહિલાઓની સુરક્ષા અને આવા તત્વો સામે કડક કાર્યવાહીની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.