સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી હવાની ગુણવત્તામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ખાસ કરીને શિયાળાની ઋતુમાં પ્રદૂષણનું સ્તર જોખમી સપાટીએ પહોંચતા હવે તંત્ર સફાળું જાગ્યું છે. બાંધકામ સાઇટ્સ પર 'ગ્રીન નેટ'ની ઝુંબેશ બાદ હવે પાલિકાએ ઝેર ઓકતી ઔદ્યોગિક ચીમનીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીના સંકેત આપ્યા છે.


AQI 300ને પાર, કતારગામ સૌથી વધુ પ્રભાવિત

ચાલુ વર્ષે સુરત સહિત રાજ્યના અનેક શહેરોમાં AQI (Air Quality Index) ની માત્રામાં ચિંતાજનક વધારો થયો છે. સુરતના કતારગામ વિસ્તારમાં પ્રદૂષણ માપવાના યંત્રમાં AQI નો આંકડો 300ને પાર કરી ગયો હતો, જે 'ખૂબ જ ખરાબ' શ્રેણીમાં આવે છે. શિયાળામાં હવા પાતળી અને ભારે હોવાને કારણે પ્રદૂષિત કણો વાતાવરણમાં નીચે જમા રહે છે, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ અને અન્ય બીમારીઓનું જોખમ વધે છે.

34 ચીમનીઓ પર 'બાજ નજર'

શહેરમાં પ્રદૂષણ ઘટાડવા માટે સુરત મહાનગરપાલિકા હવે GPCB સાથે જોડાઈ છે. આ સંયુક્ત અભિયાન અંતર્ગતના પગલાં લેવામાં આવશે. શહેરમાં આવેલી મુખ્ય 34 ઔદ્યોગિક ચીમનીઓ પર સીધી નજર રાખવામાં આવશે. ચીમનીઓ દ્વારા છોડવામાં આવતા ધુમાડા અને ઝેરી ગેસના સ્તરની નિયમિત ચકાસણી કરવામાં આવશે. જે ઉદ્યોગો નિયમોનું ઉલ્લંઘન કરશે તેમની સામે દંડનીય કાર્યવાહી અથવા સીલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી શકે છે.

ગ્રીન નેટ બાદ હવે ઉદ્યોગોનો વારો

અગાઉ પાલિકાએ ધૂળની ડમરીઓ રોકવા માટે બાંધકામ હેઠળની સાઇટ્સ પર ગ્રીન નેટ લગાવવી ફરજિયાત કરી હતી. હવે, હવાનું પ્રદૂષણ ઘટાડવા માટે ઉદ્યોગો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. SMC અને GPCB ના આ સંયુક્ત પ્રયાસોથી આગામી દિવસોમાં સુરતની હવાની ગુણવત્તામાં સુધારો થાય તેવી આશા છે.

આ પણ વાંચો:Ahmedabad: એકતરફ 32 કરોડના ખર્ચે આધુનિક કતલખાનાની જાહેરાત, બીજીતરફ ગૌતસ્કરી રોકવા ગૌભક્તોનો હાઈવોલ્ટેજ ડ્રામા

  • Follow us on: