શહેરના દક્ષેશ્વરનગરથી લઈને અલથાણ ખાડી સુધીના વિસ્તારોમાં લાંબા સમયથી પ્રવર્તતી ટ્રાફિકની ગંભીર સમસ્યાને દૂર કરવા માટે સુરત મહાનગરપાલિકા (SMC) અને સુરત ટ્રાફિક પોલીસ દ્વારા મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આ માર્ગો પર ગેરકાયદેસર રીતે કરવામાં આવેલા દબાણો અને આડેધડ પાર્કિંગને કારણે સ્થાનિકો અને વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા હતા.

લોકોની રજૂઆત બાદ એક્શન

દક્ષેશ્વરનગર અને તેની આસપાસના રસ્તાઓ પર લોકોએ પોતાના ટુ-વ્હીલર અને કાર જેવા મોટા વાહનો જાહેર માર્ગ પર જ પાર્ક કરી દીધા હતા, જેના કારણે રસ્તો સાંકડો થઈ જતો હતો અને દરરોજ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હતી. આ બાબતે સ્થાનિક રહીશો દ્વારા વારંવાર પોલીસ અને પાલિકાને રજૂઆતો કરવામાં આવી હતી, જેને ધ્યાનમાં રાખીને આજે વહેલી સવારથી જ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

ગેરકાયદે વાહનો જપ્ત કરાયા

સુરત ટ્રાફિક પોલીસ અને SMCના અધિકારીઓની સંયુક્ત ટીમ દ્વારા રોડ પર ખડકાયેલા તમામ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, જે વાહન માલિકોએ રોડ પર ગેરકાયદે પાર્કિંગ કર્યું હતું, તેમના વાહનો ટોઈંગ કરીને જપ્ત કરવામાં આવ્યા હતા. પોલીસની આ કડક કાર્યવાહીને પગલે રસ્તાઓ ખુલ્લા થયા છે અને વાહનવ્યવહાર પૂર્વવત થયો છે.

આ પણ વાંચો: Limbdi: માનસિક બીમારીએ લીધો એક જિંદગીનો ભોગ, વઢવાણ પાસે 32 વર્ષીય મહિલાએ ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું