સુરતના વરાછા ઝોન વિસ્તારમાં આવેલી ડમ્પિંગ સાઈટ પર આજે વાતાવરણ તંગ બની ગયું હતું. છેલ્લા 25-25 વર્ષથી ડમ્પિંગ સાઈટ પર પરસેવો પાડતા 20 થી 30 જેટલા મહિલા કર્મચારીઓને નવા કોન્ટ્રાક્ટર દ્વારા અચાનક નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવતા મહિલાઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ મહિલાઓએ પોતાની રોજીરોટી બચાવવા અને ન્યાય મેળવવા માટે ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું.


25 વર્ષની સેવા છતાં અન્યાય

રોષે ભરાયેલી મહિલા કર્મચારીઓએ આક્ષેપ કર્યો હતો કે, તેઓ છેલ્લા અઢી દાયકાથી અહીં નિષ્ઠાપૂર્વક કામ કરી રહી છે. તેમ છતાં, નવા કોન્ટ્રાક્ટરે આવતાની સાથે જ કોઈ પણ પૂર્વ સૂચના વગર તેમને કાઢી મૂક્યા છે. મહિલાઓએ સવાલ ઉઠાવ્યો હતો કે, "આટલા વર્ષોની સેવા બાદ અમારો શું વાંક છે કે અમને અચાનક બેરોજગાર કરી દેવામાં આવ્યા?"

મારવાની ધમકીના ગંભીર આક્ષેપ

માત્ર નોકરીમાંથી કાઢી મૂકવા એટલું જ નહીં, પણ મહિલા કર્મીઓએ એવો ગંભીર આક્ષેપ પણ કર્યો છે કે જ્યારે તેઓએ આ બાબતે રજૂઆત કરી ત્યારે તેમને મારવાની ધમકી આપવામાં આવી હતી. અચાનક રોજગારી છીનવાઈ જવાથી આ પરિવારો પર આર્થિક સંકટ આવી પડ્યું છે. મહિલાઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમને ફરી નોકરી પર રાખવામાં નહીં આવે તો તેઓ આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરશે.

આ પણ વાંચો: Ahmedabad: નવો રોડ બન્યાના માત્ર 2 દિવસમાં પડ્યો ખાડો, કામગીરીની ગુણવત્તા સામે ઉઠ્યા સવાલ

  • Follow us on: