ગણતંત્ર દિવસ પૂર્વે જાહેર થયેલી પદ્મ પુરસ્કારોની સંભવિત યાદીમાં ગુજરાતનું નામ રોશન કરનાર નિલેશ માંડલેવાલાનું નામ મોખરે છે. સુરત જે અત્યાર સુધી માત્ર કાપડ અને હીરા ઉદ્યોગ માટે જાણીતું હતું, તેને આજે 'ઓર્ગન ડોનર સિટી' તરીકે ઓળખાવવામાં નિલેશભાઈ અને તેમની સંસ્થા 'ડોનેટ લાઈફ'નો સિંહફાળો છે. એક સફળ ઉદ્યોગપતિ હોવા છતાં, તેમણે માનવતાના આ કઠિન માર્ગને પસંદ કર્યો અને છેલ્લા 18 વર્ષથી સેંકડો પરિવારોમાં ખુશીઓના દીપ પ્રગટાવ્યા છે.
ડાયાલિસિસની પીડામાંથી જન્મ્યું ‘ડોનેટ લાઈફ’
આ સેવાકીય પ્રવૃત્તિ પાછળ એક કરુણ કથા છુપાયેલી છે. વર્ષ 1997 માં જ્યારે તેમના પિતાની કિડની ફેલ થઈ અને પરિવારે વર્ષો સુધી ડાયાલિસિસની શારીરિક-માનસિક વેદના ભોગવી, ત્યારે નિલેશભાઈને સામાન્ય માણસની લાચારીનો અહેસાસ થયો. તેમણે જોયું કે, દેશમાં દર વર્ષે લાખો લોકો અંગો ન મળવાને કારણે મૃત્યુ પામે છે. આ પીડાને શક્તિમાં બદલી તેમણે સમાજમાં અંગદાન પ્રત્યે પ્રવર્તતી અંધશ્રદ્ધા અને ડરને દૂર કરવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું.
સુરતનું ગૌરવ
નિલેશ માંડલેવાલાએ અંગદાનની જાગૃતિ માટે અનોખા પ્રયોગો કર્યા છે. તેઓ જ્યાં પણ જાય ત્યાં ચા કે કોફીનો ઇનકાર કરે છે, અને જ્યારે યજમાન કારણ પૂછે ત્યારે તેઓ આ તકનો ઉપયોગ લોકોને અંગદાનનું મહત્વ સમજાવવા માટે કરે છે. હોસ્પિટલના આઈસીયુ વોર્ડના કોરિડોરમાં રાતો વિતાવીને, સ્વજન ગુમાવનાર શોકમગ્ન પરિવારોનું કાઉન્સેલિંગ કરવું એ લોખંડી મનોબળનું કામ છે, જે તેમણે અવિરતપણે કર્યું છે. આજે તેમની સંસ્થાના પ્રયાસોથી કિડની અને લીવરથી શરૂ થયેલી સફર હૃદય, ફેફસાં અને હાથના દાન સુધી પહોંચી છે.
અંગદાન ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન
તેમની સિદ્ધિઓના આંકડા આશ્ચર્યજનક છે. અત્યાર સુધીમાં 1366 જેટલા અંગો અને પેશીઓનું સફળતાપૂર્વક દાન કરાવી તેમણે 1258 દર્દીઓને નવજીવન આપ્યું છે. ખાસ કરીને 2021માં 14 વર્ષના બાળકના હાથનું દાન કરાવી તેમણે દેશના સૌથી નાની વયના હેન્ડ ડોનર તરીકેનો વિક્રમ સ્થાપિત કર્યો હતો. કોરોનાકાળમાં પણ જ્યારે તબીબી ક્ષેત્ર ભારે દબાણ હેઠળ હતું, ત્યારે તેમણે 203 અંગોનું દાન કરાવી 182 લોકોને નવી દ્રષ્ટિ અને જીવન આપ્યું હતું. આ અપ્રતિમ સેવા બદલ તેમને પદ્મ પુરસ્કાર મળવો એ સમગ્ર ગુજરાત માટે ગૌરવની બાબત છે.
આ પણ વાંચો : Tharad માં નારી શક્તિનો શંખનાદ, CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘સશક્ત નારી મેળા’નો ભવ્ય પ્રારંભ