સુરત શહેરમાં આર્થિક ગુનાખોરી અને ચીટીંગના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, ત્યારે પાલ પોલીસ સ્ટેશનની હદમાં સરકારી કાગળો અને ઈ-સ્ટેમ્પિંગના નામે એક કાપડના વેપારીને મોટી રકમનો ચુનો લગાડવામાં આવ્યો છે. જમીન કે વ્યાપારી દસ્તાવેજના કામ માટે ઈ-સ્ટેમ્પ ખરીદવા ગયેલા ટેક્સટાઈલ વેપારી પાસેથી સ્ટેમ્પ વેન્ડર દંપતીએ રોકડા તેમજ ઓનલાઈન માધ્યમથી કુલ ₹10.61 લાખ પડાવી લીધા હતા. જોકે, આટલી મોટી રકમ લીધા બાદ પણ વેપારીને સ્ટેમ્પ પેપર આપવામાં આવ્યા નહોતા.

વારંવાર વાયદા કર્યા બાદ ભાંડો ફૂટ્યો

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભોગ બનનાર કાપડના વેપારીને પોતાના વ્યવસાયિક કામકાજ અર્થે મોટા મૂલ્યના ઈ-સ્ટેમ્પ પેપર્સની જરૂરિયાત હતી. આ માટે તેમણે પાલ વિસ્તારમાં જ ઓથોરાઈઝ્ડ સ્ટેમ્પ વેન્ડિંગનું કામ કરતા પતિ-પત્નીનો સંપર્ક કર્યો હતો. દંપતીએ વિશ્વાસમાં લઈને સરકારી તિજોરીમાં ચલણ ભરવાના બહાને કટકે-કટકે ₹10.61 લાખ મેળવી લીધા હતા.

સ્ટેમ્પ વેન્ડર દંપતીએ છેતરપિંડી કરી

જ્યારે વેપારીએ પોતાના સ્ટેમ્પ પેપરની માંગણી કરી ત્યારે આ દંપતીએ ક્યારેક સર્વર ડાઉન હોવાના તો ક્યારેક ટેકનિકલ ખામીના બહાના બતાવી વાયદાઓ શરૂ કર્યા હતા. લાંબો સમય વીતી જવા છતાં જ્યારે સ્ટેમ્પ ન મળ્યા અને દંપતીએ ફોન ઉપાડવાના કે સરખા જવાબો આપવાના બંધ કર્યા, ત્યારે વેપારીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો.

પતિ-પત્ની વિરૂદ્ધ કાયદાકીય ગાળિયો

છેવટે આ મામલે ભોગ બનનાર વેપારીએ પાલ પોલીસ મથકનો સંપર્ક કરીને સ્ટેમ્પ વેન્ડર પતિ-પત્ની વિરૂદ્ધ સત્તાવાર નામજોગ ફરિયાદ નોંધાવી છે. પોલીસે વિશ્વાસઘાત અને ઠગાઈ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સરકારી લાયસન્સના ઓઠા હેઠળ આચરાયેલા આ ફ્રોડમાં અન્ય કોઈ વેપારી ભોગ બન્યા છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ લંબાવી છે.

આ પણ વાંચો: Vadodara: ડેસરમાં ગેરકાયદે રેતી ખનન દરમિયાન માટીની ભેખડ ધસી પડતાં બે શ્રમિકોના કરૂણ મોત