ગુજરાત રાજ્યમાં લૂંટ, ધાડ અને ઘરફોડ ચોરી જેવી ગંભીર ઘટનાઓને અંજામ આપતી કુખ્યાત 'મોહનીયા ગેંગ'ને પકડવામાં સુરત જિલ્લા એલસીબી (LCB) ને મોટી સફળતા મળી છે. રાજ્યના 15 જેટલા ગંભીર ગુનાઓમાં વોન્ટેડ આ ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ શખ્સોને પોલીસે ફિલ્મી ઢબે દાહોદ જિલ્લાના ઊંડાર ગામેથી ઝડપી પાડ્યા છે.
ડુંગરાળ વિસ્તાર અને પાલતુ કૂતરાઓનું ‘કવચ’
આ ગેંગના આરોપીઓ પોલીસ પકડથી બચવા માટે દાહોદના ઊંડાર ગામના ડુંગરાળ વિસ્તારમાં આશરો લેતા હતા. આરોપીઓ એટલા શાતિર હતા કે તેમણે પોલીસની હિલચાલ પર નજર રાખવા માટે પાલતુ કૂતરાઓ રાખ્યા હતા. જ્યારે પણ પોલીસ વિસ્તારમાં પહોંચતી ત્યારે કૂતરાઓ ભસવાનું શરૂ કરતા અને આરોપીઓ ડુંગરાળ વિસ્તારમાં ગાયબ થઈ જતા હતા.
પોલીસનું ‘સર્જિકલ સ્ટ્રાઈક’ જેવું ઓપરેશન
આ વખતે સુરત જિલ્લા એલસીબીએ આયોજનબદ્ધ રીતે અલગ-અલગ ટીમો બનાવી હતી. પોલીસે ગામમાં એકસાથે અલગ-અલગ સ્થળોએ છાપેમારી કરી હતી. આરોપીઓએ પોલીસ સાથે બાથ ભીડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે શક્તિ અને યુક્તિથી ત્રણેયને ઝડપી લીધા હતા. 1. દલીઓ ઉર્ફે ગાંડો કાળુભાઈ મોહનીયા,2. દિલીપ કાળુભાઇ મોહનિયા,3. કલ્પેશ પરશુભાઇ મોહનીયા ઝડપાયેલા આરોપીઓના નામ.
રાજ્યભરમાં ગુનાહિત ઈતિહાસ
પકડાયેલા આરોપીઓ ગાંધીનગર (ચિલોડા અને પેથાપુર), વડોદરા અને અન્ય વિસ્તારોમાં ૯ જેટલા ગંભીર ગુનાઓમાં વોન્ટેડ હતા. આ ગેંગ અગાઉ ચોરી, લૂંટ અને ધાડના અંદાજે 42 જેટલા ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂકી છે. આ ગેંગ ઝડપાતા રાજ્યમાં લૂંટ અને ધાડના અનેક અનસોલ્વ ગુનાઓનો ભેદ ઉકેલાય તેવી શક્યતા છે.
આ પણ વાંચો: Valsad: ભાગડવાડામાં ટેમ્પો ચાલકે રિવર્સ લેતા મહિલાને અડફેટે લીધી, વીજપોલ અને ઘરની દીવાલ પણ તોડી નાખી