સુરત શહેરમાં ભૂમાફિયાઓ અને ગુનાહિત તત્વો વિરુદ્ધ પોલીસનું અભિયાન તેજ બન્યું છે. તાજેતરમાં શહેરની કુખ્યાત 'સજ્જુ કોઠારી ગેંગ' દ્વારા સરકારી જમીન પર કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણ પર અઠવા પોલીસે લાલ આંખ કરી છે. લાખો રૂપિયાની કિંમતી સરકારી જમીન પચાવી પાડી તેના પર પાકું બાંધકામ કરનાર ગેંગના સાગરીતો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સરકારી જમીન પર ગેરકાયદે સામ્રાજ્ય
મળતી વિગત મુજબ, દોતીવાલાની સજ્જુ કોઠારી ગેંગના સાગરીત વલ્લી સૈયદ દ્વારા સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે કબ્જો જમાવવામાં આવ્યો હતો. આ શખ્સે સરકારી મિલકત પર માત્ર કબ્જો જ નહોતો કર્યો, પરંતુ ત્યાં 15થી વધુ પાકી દુકાનો બનાવી દીધી હતી. આ દુકાનોને અન્ય લોકોને ભાડે આપીને તેમાંથી મોટું આર્થિક હિત સાધવામાં આવતું હતું. ગુનાહિત પ્રવૃત્તિઓ દ્વારા ઉભી કરાયેલી આ મિલકતો પોલીસના રડારમાં આવતા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે.










