સુરત શહેરના કતારગામ વિસ્તારમાં ટ્રાફિક પોલીસે ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા વાહનો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. ટ્રાફિક પોલીસે ખાસ ડ્રાઇવનું આયોજન કરીને ઊંચા અવાજે હોર્ન વગાડતા રીક્ષા ચાલકોને દંડ ફટકાર્યો હતો અને રીક્ષાઓ પર લગાવેલા ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા ગેરકાયદેસર હોર્ન ઉતારી લેવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન કેટલાક અન્ય વાહન ચાલકોને પણ મેમો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ વિશે માહિતી આપતા ડીસીપીએ જણાવ્યું હતું કે, ધ્વનિ પ્રદૂષણ ગંભીર સમસ્યા છે અને તેને ડામવા માટે પોલીસ કાયમી ધોરણે કાર્યવાહી કરશે.
ટ્રાફિક ડ્રાઇવ
ડીસીપીએ વધુમાં ઉમેર્યું હતું કે, પોલીસની ટીમ ખાસ મશીન વડે ધ્વનિનું માપન કરે છે. જે વાહન ચાલકો 120થી 150 ડેસિબલ જેટલું ધ્વનિ પ્રદૂષણ ફેલાવે છે, તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. આ ડ્રાઇવનો હેતુ જાહેર માર્ગો પર થતા અસહ્ય અવાજ પ્રદૂષણને નિયંત્રિત કરવાનો અને લોકોને શાંતિપૂર્ણ વાતાવરણ પૂરું પાડવાનો છે. કતારગામમાં શરૂ કરાયેલી આ ડ્રાઇવ સુરતના અન્ય વિસ્તારોમાં પણ વિસ્તારવામાં આવશે, જેના કારણે ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે.
